Biparjoy Cyclone Latest Updat:e અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છમાં લેન્ડફોલ થયા પછી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું. કચ્છમાં અબડાસા તાલુકાના નલિયા-ભૂજ વચ્ચેનો રોડ તુટી ગયો છે. રસ્તો બંધ થતા ભૂજ અને નલિયા વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો છે. ભારે વરસાદ બાદ ભવાનીપર પાસે આવેલું ગરનાળું પણ ધોવાઇ ગયું છે.
કોઠારા ગામ જળબંબાકાર
ભારે વરસાદના કારણે અબડાસા તાલુકાનું કોઠારા ગામ જળબંબાકાર થયું છે. વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે. ગાડી પણ અડધી ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. ઠેર ઠેર નદીઓ જેવો માહોલ સર્જાયો છે. ખેતરમાં પાણી જોવા મળે છે.
NDRF એ 127 લોકોને સલામત સ્થળે ખસેડ્યા
NDRF એ રૂપેન બંદર સરકારી પ્રાથમિક શાળામાંથી 27 મહિલાઓ અને 15 બાળકો તેમજ ત્રણ નર્સિંગ સ્ટાફ સભ્યો સહિત 127 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. જ્યાં તેમને વાવાઝોડા સમયે રાખવામાં આવ્યા હતા. જોકે અતિવૃષ્ટિને કારણે વિસ્તાર અને શાળા પાણીમાં ગરકાવ થઈ જતાં હવે લોકોને દેવભૂમિ દ્વારકા જિલ્લાની NDH શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડું બન્યું વિનાશક, 4000 થી વધુ વીજ પોલ ધ્વસ્ત, કચ્છ-સૌરાષ્ટ્રમાં અંધારપટ
અનેક જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી
વાવાઝોડાની અસર અનુમાન કરતા વધારે ચાલતા અનેક જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી છે. કચ્છનું નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 17 જૂન બપોર સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રખાશે. અબડાસા તાલુકાના 9 ગામોની બજારો બંધ રાખવાનું જાહેરનામું આજે રાત્રે 12 વાગ્યા સુધી લંબાયું છે. કચ્છ જિલ્લાના દરેક દરિયાકિનારા પર જવા માટે 17 જૂન સુધી મનાઈ ફરમાવી છે. આજે 16 તારીખની રાત સુધી રાહત બચાવમાં જોડાયેલી બસો સિવાય તમામ એસટી બસોનું પરિવહન બંધ રહેશે. 17 જૂનની બપોર સુધી જિલ્લાભરમાં માઈનિંગની તમામ પ્રક્રિયા બંધ રહેશે.
કચ્છ અને સૌરાષ્ટ્રના 1100 ગામોમાં વીજળી ગુલ
બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કારણે ભારે તારાજી સર્જાઈ છે. બિપરજોયના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના 2550 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. આ ઉપરાંત વાવાઝોડાના સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 1100 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 4000થી વધુ વીજપોલને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.





