Rainfall in Gujarat, weather news latest updates: ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. બિપરજોયના ગયા બાદ ગુજરાતમાં ચોમાસું બેશી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લાના તાલુકાઓમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને અંજાર, માંડવી, ભચાઉ, ભૂજ, મુદ્રા, રાપર અને નખત્રાણામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અંજારમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઇંચ વરસાદ, ભુજ અને મુંદ્રામાં 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. સાથે સાથે રાપર અને નખત્રાણામાં પણ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના 10 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યના 93 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 55 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે રાજ્યના 33 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. 14 તાલુકા એવા છે જ્યાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના 10 તાલુકા એવા છે જેમાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો નીચે જુઓ

રાજ્યમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડાના ગયા બાદ ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બનાસકાંઠામાં મેઘતાંડવ, રસ્તા થયા બ્લોક, રાધનપુર,સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો
બિપરજોય વાવાઝોડા બાદ મેઘરાજાનું તાંડવ શરુ થયું છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા અને પાટણમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રાધનપુર, સાંતપુરમાં વીજ પુરવઠો ખરોવાયો છે. અને કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે.





