ઘણી વખતે એવું બનતુ હોય છે કે, નિયમ બનાવનાર પોતે જ નિયમોનો ભંગ કરતું હોય છે અને આવું જ કંઇક હાલ ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યુ છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ એવું નક્કી કર્યુ છે કે, 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ફોર્મ્યુલા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં એક નેતા આ નિયમમાં અપવાદરૂપ છે. ભાજપે વડોદરાની માંજલપુર બેઠક પરથી 76 વર્ષીય એક નેતાને આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
યોગેશ પટેલ 76 વર્ષની વયે હેટ્રિક બનાવવા ઉત્સુક
ભાજપના માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ 76 વર્ષના છે. તેઓ ભાજપના સૌથી મોટી વયના ઉમેદવાર છે. તેમણે 1990માં પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતુ. તેમણે રાવપુરા બેઠક પરથી પાંચ વખત ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ માંજલપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ બેઠકની રચના 2012માં સીમાંકન બાદ કરવામાં આવી હતી. તેઓ માંજલપુર બેઠકથી બે વખત વર્ષ 2012 અને 2017માં ચૂંટણી જીત્યા છે અને વર્ષ 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી છે. આમ આ વખતે યોગેશ પટેલ આ બેઠક પરથી હેટ્રિક ફટકારવાની તૈયારી કરી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકો કહે છે કે યોગેશ પટેલ પોતાનો મજબૂત વોટર બેઝ ધરાવે છે. તેઓ દાયકાઓથી જનતાની વચ્ચે હાજરી ધરાવે છે. તેમની પોતાની એક અપીલ છે. તેઓ પોતાના દમ પર ચૂંટણી જીતી રહ્યા છે અને ફરી મેદાનમાં ઉતરીને પોતાની રાજકીય તાકાત બતાવશે.
5 ટર્મથી વધારે ચૂંટણી જીતનાર 7 ઉમેદવારો મેદાનમાં
યોગેશ પટેલ સહિત આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 7 ઉમેદવારો એવા છે જેઓ પાંચ કરતા વધુ ટર્મથી ચૂંટણી જીત્યા છે, તેમ છતાં તેમના મનમાં વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હજી પણ સંતોષાય નથી. તેઓ ફરી ચૂંટણી લડવા અને જીતવાની કોશિશ કરી રહ્યા છે, જેમાં 5 ઉમેદવારો સત્તાધારી ભાજપના છે જ્યારે 1 અપક્ષ ઉમેદવાર છે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી આવા પાંચ ઉમેદવારો પર દાવ લગાવવામાં આવ્યો છે તેમાં માંજલપુરથી યોગેશ પટેલ, દ્વારકાથી પબુભા માણેક, ગારીયાધારથી કેશુ નાકરાણી, ભાવનગર ગ્રામ્ય બેઠક પર પુરુષોત્તમ સોલંકી અને નડિયાદમાંથી પંકજ દેસાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ યાદીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવા અને મધુ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. અત્રે નોંધનિય છે કે, છોટુ વસાવા અને મધુ શ્રીવાસ્તવ – આ બંનેને ભાજપે ટિકિટ આપવાનો ઈન્કાર કરતા તેઓએ અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભરીને ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે.
કોણ - કેટલી વખત જીત્યું?
માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલ, દ્વારકાથી પબુભા મેણક સાત વખત ચૂંટણી જીત્યા છે. આ બંને ઉમેદવારો હવે આઠમી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગારીયાધારથી કેશુ નાકરાણી, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ છ વખત ચૂંટણી જીત્યા છે અને હવે સાતમી વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાવનગર ગ્રામ્યમાંથી પુરુષોત્તમ સોલંકી અને નડિયાદમાંથી પંકજ દેસાઈ પાંચ વખત ચૂંટણી જીત્યા છે અને હવે છઠ્ઠી વખતે ચૂંટણી લડી રહ્યા છે.
અદાલતની મહેરબાનીથી પબુભા માણેક ચૂંટણી લડી શક્યા
પબુભા માણેકને વર્ષ 2019માં હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જો કે ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી પરંતુ અદાલતે પોતાના ચુકાદામાં એવું જણાવ્યુ કે, દ્વારકાની બેઠકને ખાલી રાખી શકાય નહીં. તેમણે 1990, 1995, 1998માં સ્વતંત્ર રીતે ચૂંટણી જીતી હતી. 2002માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2007માં તેમણે ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી હતી. છોટુ વસાવાએ પણ વર્ષ 1990માં જનતા દળની ટિકિટ પર પહેલી વાર ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2017માં તેણે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની રચના કરી. જો કે જ્યારે તેમણે પોતાના સ્થાને પોતાના પુત્રને આગળ કર્યો ત્યારે તેમના સમર્થકોએ તેમને અપક્ષ તરીકે ચૂંટણી લડવા હાકલ કરી હતી.
મધુ શ્રીવાસ્તવે પણ સૌથી પ્રથમવાર અપક્ષ ઉમેદવાર તરીકે જ ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને સતત પાંચ ટર્મથી ચૂંટણીમાં વિજય હાંસલ કરી રહ્યા છે. તેમના પર બેસ્ટ બેકરી કેસમાં સાક્ષીને ધમકાવવાનો આરોપ છે અને તે મામલે બહુ વિવાદ થયો હતો. અન્ય ઉમેદવારોની કહાણી પર આવી જ છે. આમાંના મોટા ભાગના ઉમેદવારો એવા છે કે જેઓ જાત મહેનતે ઉપર આવ્યા છે. આ ઉમેદવારો પોતાની એક આગવી અપીલ ધરાવે છે જેના આધારે તેઓ સતત ચૂંટણી જીતી રહ્યા છે.
રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર કહે છે કે, આ તમામ લોકો પોતે જ એક પર્સનાલિટી છે. તેમને જીતવા માટે કોઈના બેનરની જરૂર નથી. તેઓ લોકો સાથે સીધો સંવાદ કરે છે, જનતા સાથે સીધી રીતે જોડાયેલા છે.





