Budget 2025: મોદી 3.0ના કાર્યકાળમાં દેશનું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025 નું બજેટ રજૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન આપીને ફુગાવાને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. ત્યારે આ દરમિયાન નાણા મંત્રી દ્વારા જે જાહેરાતો કરવામાં આવી હતી તેને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેની સરાહના કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી સરકાર 3.0 અને નાણામંત્રી નિર્મલા સીતારમણના વખાણ કરતા બજેટ 2025 ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારૂ બજેટ ગણાવ્યું છે.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટ 2025 ને લઈ એક વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં તેઓએ લખ્યું છે કે,”બજેટ-2025 દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ-અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું”.
બજેટ 2025 વિશે વીડિયોના માધ્યમથી સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વર્ષનું બજેટ નવા વર્ષે દેશના તમામ નાગરિકો પર માતા લક્ષ્મીની કૃપા વરશે તેવી અપેક્ષા હતી, ખાસ કરીને આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અને સિટિઝન ફર્સ્ટના બજેટમાં ફળીભૂત થઈ છે. એગ્રીકલ્ચર, MSME, ઈન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ દેશના ચાર એન્જીનને ગતિ આપનારૂં બજેટ છે.
આ પણ વાંચો: બજેટ 2025 માં ભારતના ટોપ 50 ટૂરિસ્ટ પ્લેસ માટે ખાસ જાહેરાત
‘પીએમ ધન-ધાન્ય યોજના’
વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં રાજ્યની સહભાગ્યતાથી ‘પીએમ ધન-ધાન્ય યોજના’ દેશના ઓછી કૃષિ ઉત્પાદક્તા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે. અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી સારી એવી મદદ મળશે સાથે જ ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઈગ્રેશન પણ અટકશે. ત્યાં જ કિસા ક્રેડિટ કાર્ડની મર્યાદાને 3 લાખથી વધારીને 5 રૂપિયા કરાતા ખેડૂતો આત્મનિર્ભર બનશે. આ ઉપરાંત કપાસ ઉગાડતા ખેડૂતોને મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે લાભદાયી બનશે.
મેરિટાઈમ ઈન્ડસ્ટ્રી માટે 25 હજાર કરોડનું ફંડ
મેરિટાઈમ ઈન્ડસ્ટ્રી માટે લાંબાગાળાના ધિરાણ માટે રૂ.25 હજાર કરોડના પ્રાવધાન સાથે મેરિટાઈમ ડેવલોપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આથી વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે.
બાગાયતી પાકોના ખેડૂતો માટે સોગાત
બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને વેરહાઉસને અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જે ગુજરાતના બાગાયતી પાકોના ખેડૂતો માટે તે ઉપયોગી સાહબિત થશે. ત્યાં જ MSME સેક્ટરમાં જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. તેમાં MSME ની વ્યાખ્યાને વ્યાપક બનાવવામાં આવી છે. જેથી ગુજરાતમાં MSME ને વિસ્તૃત ફાયદો થશે.