ગુજરાતના સુરતમાં એક પ્રખ્યાત બિલ્ડરે કથિત રીતે તેની ઓફિસમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કથિત હવાલા ઓપરેટર અને અન્ય વેપારીઓ સહિત ચાર લોકોના નામની ઓડિયો ક્લિપ છોડીને તેને કથિત રીતે હેરાનગતિ અને ધમકી આપવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આત્મહત્યાના પ્રયાસની નોંધ લઈ પોલીસ કેસ નોંધતા પહેલા બિલ્ડર સાથે વાત કરવાની રાહ જોઈ રહી છે.
ભટારમાં રહેતા 62 વર્ષીય નરેશ અગ્રવાલ ટેક્સટાઈલ માર્કેટના બાંધકામ સાથે સંકળાયેલા છે અને છેલ્લા 20 વર્ષથી બાંધકામનો વ્યવસાય કરે છે. શુક્રવારે સાંજે તેણે સુરતના સારોલી વિસ્તારમાં કુબેરજી ડેવલપર્સની કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે આવેલી તેની ઓફિસમાં કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી, જ્યારે એક ઓફિસ એટેન્ડન્ટ ઓફિસે પહોંચ્યો અને અગ્રવાલને તેની ખુરશીમાં બેભાન હાલતમાં જોયા. અગ્રવાલના ભત્રીજા લક્ષ્મીકાંત, જે તે સમયે ઓફિસમાં હતા, તે તેમને તાત્કાલિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SMIMER હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં અગ્રવાલને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સારોલી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એ.દેસાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે કહ્યું કે, બિલ્ડરે 5.41 મિનિટની ઓડિયો ક્લિપ છોડી છે, જે તેના મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવામાં આવી હતી.
દેસાઈએ જણાવ્યું હતું કે, “અમને સોશિયલ મીડિયા પર તેમના દ્વારા જાહેર કરાયેલ ઓડિયો સંદેશ મળ્યો છે. તબીબોએ જણાવ્યું કે, તેમની હાલત સ્થિર છે પરંતુ, તે હજુ બેભાન છે. એકવાર તે ભાનમાં આવશે, અમે તેના નિવેદનને રેકોર્ડ કરીશું અને ચાર શંકાસ્પદોને પણ બોલાવીશું અને તેમના નિવેદનો રેકોર્ડ કરીશું. હાલમાં, અમે પોલીસ રજિસ્ટરમાં આત્મહત્યાના પ્રયાસની ઘટનાની નોંધ કરી છે.”
હિન્દીમાં તેની ઓડિયો ક્લિપમાં, રાજસ્થાનના વતની અગ્રવાલે ચાર લોકોના નામ લીધા છે અને કહ્યું છે કે, તે તેમના દ્વારા “નિયમિત ઉત્પીડન અને ધમકીઓ હવે સહન કરી શકતો નથી”. અગ્રવાલે જણાવ્યું હતું કે, તેમણે એક પુરૂષ પર “રોકડ માટે વિશ્વાસ મુકી” મિલકતના દસ્તાવેજો પર સહી કરી હતી, પરંતુ બદલામાં મિલકત પાછી મળી ન હતી. અન્ય આરોપો પૈકી, અગ્રવાલે આ વ્યક્તિ પર તેને બ્લેકમેલ કરવાનો, પ્રોપર્ટી પર સહી કરવા માટે દબાણ કરવાનો અને તેના કોમર્શિયલ કોમ્પ્લેક્સની કેટલીક દુકાનોનો બળજબરીથી કબજો લેવાનો આરોપ પણ મૂક્યો છે.
આ પણ વાંચો – અંબાજી ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ : 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જુઓ કેટલી થઈ આવક?
કથિત હવાલા ઓપરેટર સામેના તેમના આરોપોમાં, અગ્રવાલે જણાવ્યું હતું કે, તેમણે તેની પાસેથી 3 ટકાના દરે 5 કરોડ રૂપિયા અને 5 ટકાના વ્યાજના દરે 1 કરોડ રૂપિયા લીધા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેમણે વ્યાજ સહિત રકમ ચૂકવી દીધી હોવા છતાં, તે લોકો વધુ પૈસાની માંગ કરી રહ્યા હતા.





