Mahatma Gandhi Sabarmati Ashram : ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે બુધવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી આશ્રમની 55 એકર અતિક્રમણ કરેલી જમીન પાછી મેળવી અને દેશને શ્રદ્ધાંજલિ આપી, જ્યાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મોટા નેતાઓનો ઈતિહાસ લખાયો છે.
આજે આશ્રમની અંદરની જમીન પાંચથી વધીને 55 એકર થઈ ગઈ છે – સીઆર પાટીલ
ભાજપના નર્મદા જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન માટે રાજપીપળામાં આવેલા પાટીલે કહ્યું કે અમે ભણતા હતા ત્યારથી સાંભળ્યું હતું કે, ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે 115 એકર જમીન છે પરંતુ ધીમે ધીમે આખી જમીન પર લોકોનો કબજો કરવામાં આવ્યો અને આશ્રમને માત્ર પાંચ એકર જમીન સાથે છોડી દેવામાં આવ્યો. મોદીજીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો અને આશ્રમની આસપાસથી અતિક્રમણ દૂર કર્યું. આજે આશ્રમની અંદરની જમીન પાંચથી વધીને 55 એકર થઈ ગઈ છે, અને બાકીની જમીનનો કબજો લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સાબરમતી આશ્રમનું પુનઃનિર્માણ આવનારા દિવસોમાં (વિદેશથી) ભારતની મુલાકાતે આવતા લોકોને ચોક્કસપણે આકર્ષિત કરશે. મોદીજીએ આ પ્રકારની વ્યવસ્થા અને આયોજન કર્યું છે.
પાટીલે કહ્યું કે મોદી દેશની સંસ્કૃતિને પ્રકાશિત કરીને ઇતિહાસ લખી રહ્યા છે. મોદીજીએ સરદાર પટેલની પ્રતિમા તેમના પ્રભાવ જેટલી ઉંચી બનાવી. પહેલા તો ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો પરંતુ હવે તેઓ જાણે છે કે પ્રતિમાના કારણે આદિવાસી યુવાનોને રોજગારી મળી છે.
તેમણે કહ્યું કે જ્યારે વિદેશીઓ ભારત આવતા હતા, ત્યારે તેઓ વિદેશ મંત્રાલયને કહેતા હતા કે તેમનો ઉદ્દેશ્ય તાજમહેલ જોવાનો છે. હવે તેઓ લખે છે કે, તેઓ સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા નાંદોદ, ભરૂચ અને ઝગડિયા જવા માંગે છે.
આ પણ વાંચો – Exclusive: ‘ભાજપ એ ડાયનાસોર જેવું છે, હાલ ખબર નથી કે તેની પૂંછડી કચડાઈ રહી છે’
પાટીલે એમ પણ કહ્યું કે નવસારીમાં દાંડી માર્ચની પ્રતિમા વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા છે, જે સત્યાગ્રહમાં ભાગ લેનારા તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પાટીલે કહ્યું મહાત્મા ગાંધીએ પોતાનું સમગ્ર જીવન દેશની આઝાદી માટે વિતાવ્યું. દાંડીથી નવસારી સુધીનો પ્રવાસ કર્યો. મોદીજી દ્વારા દાંડીમાં મહાત્મા ગાંધીની મોટી પ્રતિમા બનાવવામાં આવી. દાંડીમાં ગાંધીજી સાથે જોડાયેલા તમામ 70 લોકોની છ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મોદીજીએ તે બધા મહાન નેતાઓને સન્માન આપ્યું છે.
હું મારા વિજયના લક્ષ્યને 5 લાખથી વધારીને 6 લાખ કરી રહ્યો છું – સીઆર પાટીલ
ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાં એક લાખ મતની વધારાની લીડથી પક્ષની જીત સુનિશ્ચિત કરવા ભાજપના કાર્યકરોને વિનંતી કરતાં પાટીલે કહ્યું કે ભરૂચ અને છોટા ઉદેપુરમાં ઘણા લોકો (વિરોધી ઉમેદવારો) અહીં-ત્યાં કૂદી રહ્યા છે. હું મારા વિજયના લક્ષ્યને 5 લાખથી વધારીને 6 લાખ કરી રહ્યો છું. 5 લાખનો વધારો એ મારું લક્ષ્ય છે અને વધારાના 1 લાખ તમારા માટે છે. મોદીજી ખોટા વચનો આપતા નથી. બાકીના (વિપક્ષ) આદિવાસીઓને લલચાવી રહ્યા છે અને ખોટા વચનો આપી રહ્યા છે. તેઓ જુઠ્ઠા છે, તેમના શબ્દોથી પ્રભાવિત ન થાઓ.”
પાટીલે બે ઉમેદવારો – વસાવા અને રાઠવા માટે પ્રચાર પણ કર્યો હતો. પાટીલે કહ્યું કે જશુભાઈ (છોટા ઉદેપુરના ઉમેદવાર) તમારી વ્યક્તિ છે, તમારામાંથી અને મનસુખભાઈ (ભરૂચના ઉમેદવાર) સાત વખતના સાંસદ છે. બધા કહે છે કે તેઓ ખુબ બોલે છે પરંતુ હું તેમને અભિનંદન આપવા માંગુ છું. કારણ કે, તે લોકો માટે બોલે છે. તેમને પરિણામ કે ભવિષ્યની ચિંતા નથી. તે તાકાતથી કામ કરે છે. તે એવી વ્યક્તિ છે, જેમણે પોતાના કાર્યકરો માટે મંત્રાલય છોડી દીધું. આ કાર્યક્રમમાં નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.





