ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્સરથી પીડિત 40 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેના બે સગીર બાળકોને ઝેર આપીને આત્મહત્યા કરી લીધી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે.
કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ટી.સી. પટેલે મંગળવારે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સાંજે જિલ્લાના લાંબા ગામમાં બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેરામણ ચેતરિયા, જે છેલ્લા પાંચ વર્ષથી કેન્સરથી પીડિત હતા અને પોતાનું મૃત્યુ નજીક જોઈ રહ્યા હતા, તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. તેમના મૃત્યુ પછી તેઓ હંમેશા તેમના બાળકોના ભવિષ્યની ચિંતા કરતા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચેતરિયાએ પહેલા તેમના ગામના ઘરે તેમની પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષના પુત્રને ઝેર આપ્યું હતું અને પછી પોતે પણ ઝેર પી લીધું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
મૃતકોનાં નામ
- મેરામણ કરશન ચેતરિયા (પિતા, ઉં.વ.40)
- ખુશી મેરામણ ચેતરિયા (પુત્રી, ઉં.વ.5))
- માધવ મેરામણ ચેતરિયા (પુત્ર, ઉં.વ.3)
આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં જ દ્વારકા સર્કલના DySP સાગર રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા અને FSL તપાસ સહિતની કાર્યવાહી કરી હતી.