ગુજરાત સહિત ભારતના અનેક શહેરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન મેઘરાજા તાંડવ જોવા મળી રહ્યું છે. ઉત્તરખંડ, દિલ્હી, ગુજરાત સહિતના શહેરોમાં અનેક જગ્યાથી પૂરમાં વાહનો તણાવવાના વીડિયો સામે આવી રહ્યા છે. હજારોની સખ્યામાં અત્યાર સુધીમાં વાહનોને નુકશાન થયું છે. ગુજરાતમાં જૂનાગઢના અનેક વીડિયો સામે આવ્યા જેમાં જોઈ શકાતું હતું કે, અનેક કાર પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે.
વરસાદની સિઝનમાં અનેક શહેરોમાં રોડ રસ્તા પાણીમાં ડુબી જાય છે. જેને પગલે કાર સહિતના વાહનોને નુકશાન પહોંચે છે. ગાડીમાં પાણી ઘુસી જવાથી એન્જિનને મોટાપાયે નુકશાન પહોંચે છે. સાથે વાહનના ઈલેક્ટ્રીક પાર્ટ્સ, એસેસરીને પણ નુકશાન પહોંચે છે. ગાડી કે વાહન રીપેર કરાવવાનો ખર્ચ ક્યારેક લાખોમાં પહોંચી જાય છે. જે વાહન ચાલકને પરવડી શકે તેમ ન પમ હોઈ શકે. તો આવી સ્થિતિમાં દરેક વાહન ચાલકના મનમાં પ્રશ્ન ઉઠતો હશે કે, આવી કુદરતી આપદામાં વાહનને નુકશાન થાય તો વીમો પાસ થાય? ક્લેમ કરી શકાય? શું નુકશાનનું વળતર મળી શકે? તો અમે તમારા આવા મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે પ્રયત્ન કરીશું.
વાહનમાં કારમાં પાણી ઘુસવાથી કેવું નુકશાન થાય
કાર કે અન્ય કોઈ વાહનમાં પાણી ઘુસી જતા ગાડીના એન્જિનને મોટુ નુકશાન થાય છે. ગાડીની ઈલેક્ટ્રીક સિસ્ટમ પાણીથી ખરાબ થઈ જાય છે. વાયરીંગ શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. પાણી ઘુસી જતા એસેસરીઝને પણ નુકશાન થાય છે. આ બધાનો ખર્ચ ક્યારેક હજારોથી 1 લાખ સુધી થઈ શકે છે.
પાણી ભરાયું હોય ત્યારે વાહન ચાલકે શું સાવધાની રાખવી
ચોમાસા દરમિયાન વાહન ચાલકે કેટલી સાવધાની રાખવી જરૂરી છે. મુશળધાર વરસાદ દરમિયાન તમારું વાહન ક્યારેય કોઈ એપાર્ટમેન્ટ કે કોમ્પલેક્ષ કે નીચાણવાળા વિસ્તારમાં ન રાખવું
પાણી ભરાયેલા રસ્તા પરથી વાહનને બહાર કાઢતી વખતે, તેને હંમેશા ધીમી ગતિએ બહાર કાઢો. આ દરમિયાન એક્સિલરેટરમાંથી પગ હટાવો નહીં.
કોઈ કારણોસર વાહન પાણી ભરાઈ જવાને કારણે વાહન બંધ થઈ જાય તો તેને ક્યારેય સ્ટાર્ટ કરવાનો વધારે પ્રયત્ન કરશો નહીં. નિષ્ણાતોના મતે, પાણી ભરાયેલા પાણીમાં કાર સ્ટાર્ટ કરવા પર તેના એન્જિનમાં પ્રવેશ કરે છે. જેના કારણે એન્જિનને નુકસાન થાય છે અને તેને રિપેર કરવામાં ઘણો ખર્ચ થાય છે.
વાહનનો વીમો લેતા સમયે કે ક્લેમ કરતા કઈ બાબતો ધ્યાને રાખવી
કાર ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે માત્ર કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી જ કરાવવી જોઈએ.
જો તમારી કાર અથવા અન્ય કોઈ વાહનમાં પાણી ભરાય તો તેના માટે સમયસર વીમાનો દાવો કરો.
રસ્તા પરનું વાહન ડૂબી જાય કે તેમાં પાણી ભરાય તો તરત જ તેનું વિડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ લેવા. આ તમારા માટે સાબિતી તરીકે કામ કરશે.
વીમાનો દાવો કરતી વખતે જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે, તે રજૂ કરવા આવશ્યક છે.
જ્યારે પણ તમે કારનો વીમો લો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારા વીમામાં એવી જોગવાઈ છે જેમાં કંપની કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં દાવાઓ ચૂકવે છે.
જો એવું ન હોય તો વીમો લેતી વખતે આ વિશે અગાઉથી જ જાણી લો. આ સિવાય વીમાના નિયમો અને શરતો વાંચો.
કારના તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખો, ક્લેમ સમયે તેમની જરૂર પડશે
શું તમને વીમાનો લાભ મળી શકે?
જો તમે વાહનનો વીમો કરાવ્યો હોય, તો તમે આવી બધી સમસ્યાઓમાં તેનો લાભ મેળવી શકો છો. આ માટે, તમારી પાસે ફૂલ વીમો એટલે કે કોમ્પ્રિહેન્સિવ વીમા પોલિસી ફાયદાકારક રહે છે. જેમાં કુદરતી આફતમાં નુકશાન, અકસ્માત, ચોરી વગેરે સામે રક્ષણ પૂરું પાડે છે. આમાં, તમને ખરાબ હવામાનને કારણે વાહનને થયેલા નુકસાનને રિપેર કરવા અથવા બદલવા માટે પણ કવર મળતું હોય છે. જોકે આ પોલીસી વૈકલ્પિક હોય છે. આવી સ્થિતિમાં, વાહન ખરીદતી વખતે, તપાસો કે તમારો વીમો કુદરતી આફતોથી થતા નુકસાનને કવર કરશે કે નહીં. તમને જણાવી દઈએ કે કોમ્પ્રિહેન્સિવ વીમા પોલિસીનામાં ગણા ફાયદા છે. તે તમને, તમારી કારને થતા નુકસાન અને કોઈપણ થર્ડ પાર્ટીના નુકશાનની જવાબદારીને આવરી લે છે. આ તમારા નાણાકીય જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ તમારા ઘણા પૈસા બચાવી શકે છે.
શું થર્ડ પાર્ટી વીમો હોય તો લાભ થાય?
વીમા કંપની તમને મદદ કરી શકે છે, પરંતુ એક સમસ્યા છે. જો તમારા વાહનમાં માત્ર ફરજિયાત થર્ડ પાર્ટી જ વીમા કવચ હોય તો તમે ક્યારેય તમારા કારને થયેલ નુકસાનીનો દાવો કરી શકતા નથી. આ માટે તમારી પાસે એક ફૂલ વીમા પોલિસી હોવી જરૂરી છે.





