Dasada zainabad Accident : રાજ્યમાં ફરી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા જૈનાબાદ વચ્ચે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. દસાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચારના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા જૈનાબાદ વચ્ચે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારના ફૂરચેફૂરચા ઉડી ગયા અને કારની અંદર સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ ચારે મૃતકને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ક્યાં અને કેવી રીતે સર્જાયો અકસ્માત
વિગતે ઘટનાની વાત કરીએ તો, પારડી તાલુકાના દસાડા જૈનાબાદ રોડ પર વણાંક ગામ પાસે સ્વીફ્ટ કારને ટ્રકે જબરદસ્ત ટક્કર મારી જેમાં કાર ઉછળીને ખેતર અને રોડની વચ્ચે ચોકડીમાં જઈ પડી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા અને કારની અંદર સવાર ચાર લોકો કારની અંદર જ કચડાઈને મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને તમામ મૃતકોની બોડીને સ્થાનિકોની મદદથી કારમાંથી બહાર કાઢી પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
અકસ્માતનો ભોગ બનનાર મૃતક કોણ ?
દસાડા અકસ્માતમાં મૃત્યું પામેલ ચારે કાર સવાર મોરબી જિલ્લાના દરબાર પરિવારના હતા. પોલીસે અકસ્માત બાદ તપાસ શરૂ કરી મૃતકોની ઓળખ કરી લીધી છે. પોલીસ અનુસાર, દસાડા જૈનાબાદ વચ્ચે કાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, તેમાંથી બે લોકો ઈન્દ્રજિતસિંહ ઝાલા (ઉ. 22) અને મુક્તરાજ ઝાલા (ઉ. 34) મોરબી જિલ્લાના મોડપર ગામના રહેવાસી છે. જ્યારે સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ. 33) મોરબીના વીરપડા ગામના રહેવાસી, તો વિજય મુછડિયા (ઉ.25) મોરબીના ઈન્દિરાનગર-મહેન્દ્રનગરના રહેવાસી છે. તમામ મૃતકના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે. કાર કુલદીપસિંહ પરમાર નામે રજિસ્ટર છે, જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક રાજસ્થાન પાર્સિગની છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લોકાચાર જતા હતા ત્યારે અકસ્માત થયો
દસાડા અકસ્માતમાં મોતને ભેટનાર ચારે જવાનજોધ યુવકોના મોતથી પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકો દેત્રોજના કુકાવાવ ગામે નજીકના સંબંધીના ત્યાં લોકોચારે જઈ રહ્યા હતા ત્યારે વણાંક ગામ પાસે અકસ્માત સર્જાયો અને કમકમાટીભર્યું મોત થયું.





