Ahmedabad International Kite Festival 2025: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો છે. આ પતંગ મહોત્વમાં વિશ્વના 47 દેશોમાંથી 143, અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ થશે.
આજે (11મી જાન્યુઆરી) એ સવારે 9 કલાકે વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુલુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા . 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે અને 13 જાન્યુઆરીએ સુરત , શિવરાજપુર, ધોરડો ખાતે સમાન પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે.
રિવરફ્રન્ટ પાસે ઉદ્ઘાટન પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઇટ કાઇટ ફલાઇંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાઈ રહ્યો છે, જેનો વીડિયો સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યો હતો. આ કાર્યક્રમ પહેલા સીએમની ઉપસ્થિતિમાં બાળકોએ નૃત્ય કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે, જાણો ક્યારે વરસાદ પડશે?
ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો પરંતુ આ વર્ષે સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. ગુજરાતના શહેરોમાંથી લોકો ભાગ લેતાં ઓછા થઈ ગયા છે.





