Gujarat Court: ગુજરાતની એક કોર્ટે પશુઓની તસ્કરીના કેસમાં એક યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. ગુજરાતની તાપી જિલ્લા અદાલતે 22 વર્ષીય યુવકને મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે ઢોર લાવવા બદલ દોષી ઠેરવ્યો છે.
સજા સંભળાવતા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સમીર વિનોદચંદ્ર વ્યાસે કહ્યું, “ગાય માત્ર એક પ્રાણી નથી, તે માતા છે. ગાય 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓનો જીવંત ગ્રહ છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે, તે દિવસથી પૃથ્વીની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. પૃથ્વીનું કલ્યાણ થશે.
વાસ્તવમાં મોહમ્મદ અમીનની 27 ઓગસ્ટ, 2020 ના રોજ ગેરકાયદેસર રીતે 16 થી વધુ ગાયો અને તેના વાછરડા સાથે ધરપકડ કરવામાં આવી હતી. તમામ પશુઓને એક ટ્રકમાં ભરીને લાવવામાં આવ્યા હતા, જેમાં તેમના બેસવા, ખાવા-પીવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા ન હતી. ત્યારથી અમીન ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યો હતો. ન્યાયાધીશે તેને આજીવન કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ન્યાયાધીશે ગાયની ઉપયોગીતા જણાવી
પોતાના આદેશમાં ન્યાયાધીશે ગાયના માત્ર ધાર્મિક પાસાઓ જ નહીં પરંતુ તેના આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય લાભો પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી. ન્યાયાધીશે કહ્યું કે, હવે ગાયોને મારવા માટે યાંત્રિક કતલખાના આવી ગયા છે. તેમની કતલ કરવામાં આવી રહી છે તેથી તેમના જીવ પર મોટો ખતરો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “માંસાહારી લોકો માંસ ખાય છે અને આ માટે ગાયના માંસનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાયના ઉત્પાદનો માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉત્પાદનોનો અર્થ છે દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર.
‘ગૌહત્યાને કારણે વાતાવરણમાં પરિવર્તનની સમસ્યા’
બાર અને બેંચના રિપોર્ટ અનુસાર, નવેમ્બરમાં આપેલા આદેશમાં જજે કહ્યું છે કે, ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) ગાયથી અલગ નથી. ધર્મનો જન્મ પણ ગાયમાંથી થયો છે…એક સમય એવો આવશે જ્યારે લોકો ગાયના ચિત્રો બનાવવાનું ભૂલી જશે. આઝાદીના 70 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ગૌહત્યા આજદિન સુધી બંધ નથી થઈ, ઊલટું તેની ચરમસીમાએ પહોંચી રહી છે. આજે જે સમસ્યાઓ છે તે એટલા માટે છે કારણ કે ચીડિયાપણું અને ગરમ સ્વભાવ વધી રહ્યો છે. આ વધારાનું એકમાત્ર કારણ ગાયોની કતલ છે. જળવાયુ પરિવર્તનને કારણે વધતું તાપમાન પશુઓ પર થતા અત્યાચારને કારણે છે.
આ પણ વાંચો – કોંગ્રેસે ચૂંટણીમાં ‘પાર્ટી વિરોધી’ કાર્યને લઈ પૂર્વ ધારાસભ્ય અને અન્ય 32ને સસ્પેન્ડ કર્યા
ગાયના છાણથી બનેલા ઘરો પર નથી થતુ ઓટોમેટિક રેડિએશન
પોતાના ચુકાદામાં ન્યાયાધીશે દાવો કર્યો છે કે, ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત નથી થતા. તેમણે કહ્યું છે કે, “ગાયની કતલ અને પરિવહન દરમિયાન તેમને થતી તકલીફ એ દુઃખની વાત છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે, ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ કિરણોત્સર્ગથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોનો ઈલાજ છે. ગાય એ ધર્મનું પ્રતીક છે.