Cyclone Biparjoy Gujarat IMD update : ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાત બિપરજોય હાલ પોરબંદરથી 430 કિમી દૂર છે અને તેની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે.
ચક્રવાત નજીક આવતા ભારે પવન ફૂંકવાનું શરૂ
ચક્રવાત જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાનું શરૂ થઇ ગયુ છે. રાજ્યના દરિયા કિનારાના અમૂક સ્થળોએ મકાન-દુકાનના પતરાઓ ભારે પવનના લીધે ઉડી ગયા હોવાની ઘટના જોવા મળી રહી છે. ચક્રવાતની અસર દરિયા કિનારાના નજીકના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાયો હતો.
દ્વારકા અને મોરબી બંદર પર 4 નંબરનું સિગ્નલ
ચક્રવાતમાં કોઇ પણ અનિશ્ચિતનિય ઘટનાને રોકવા માટે તંત્ર દ્વારા રાજ્યના તમામ બંદરો પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દ્વારકા અને મોરબીના બંદર પર 4 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. ઉપરાંત રાજ્યના તમામ બીચો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
દરિયાનું રૌદ્ર સ્વરૂપ- 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા, તંત્ર એલર્ટ
ચક્રવાત બિપરજોયની અસરે ગુજરાતના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત 1600 કિમી લાંબા દરિયા કિનારો ધરાવે છે. ચક્રવાતની અસરે ગુજરાતના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો છે અને 10થી 15 ફુટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારા નજીકના ગામડાઓને એલર્ટ કરાયા છે.

સોમનાથ, જામનગર, રાપરમાં ભારે પવન સાથે વરસાદ
ચક્રવાત બિપરજોય ગુજરાતની નજીક આવી રહ્યો છે તેમ તેમ દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાનું શરૂ થઇ ગયુ છે. જુનાગઢમાં ભારે પવન ફૂંકાતા ગિરનાર ખાતે રોપ-વે બંધ કરવામાં આવી છે. જાફરાબાદમાં દરિયો તોફાને ચડ્યો છે. દરિયામાં કરંટના લીધે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત છે.
આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય ગુજરાતના પોરબંદરથી 510 કિમી દૂર, આગામી 6 કલાકમાં તીવ્ર બનશે
15 જૂન ત્રાટકશે ‘બિપરજોય’
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય હાલ ગુજરાતના પોરબંદરથી 460 કિમી અને દ્વારકાથી 610 કિમી દૂર અરબ સમુદ્રમાં છે. 15 જૂનની બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને અને પાકિસ્તાનના દરિયાકાંઠા ત્રાટકી શકે છે. ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા અને કર્માટકના દરિયા કિનારાના વિસ્તારોમાં વરતાશે.





