Cyclone Shakti Live Tracker : અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ નો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે. તે મંગળવારને 7 ઓક્ટોબર સુધી નબળું પડી જશે. શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે. જોકે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
7 ઓક્ટોબરે નબળું પડી જશે
હવામાન વિભાગના મતે છેલ્લા શક્તિ ચક્રવાત 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને 6 ઓક્ટોબરના રોજ ત્યાં જ કેન્દ્રિત થયું છે. ચક્રવાકત મસીરાહ (ઓમાન) થી લગભગ 210 કિમી દક્ષિણ પૂર્વમાં, કરાચીથી 900 કિમી દક્ષિણ પશ્ચિમમાં, દ્વારકાથી 940 કિમી પશ્ચિમ દક્ષિણમાં અને નલિયાથી 960 કિમી દક્ષિણ પશ્ચિમમાં છે. તે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધવાની અને 7 ઓક્ટોબરની સવાર સુધીમાં નબળું પડવાની સંભાવના છે.
રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયું આકાશ રહેશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો – વેરાવળ શહેરમાં 80 વર્ષ જૂની ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી, 3 લોકોના મોત, 2 ઘાયલ
6 ઓક્ટોબરને સોમવારના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાણંદમાં 12 મીમી, નખત્રામાં 7 મીમી, થરાદમાં 6 મીમી, વિજયનગર, પોશિનામાં 5-5 મીમી, દાંતા, ઉપલેટા અને વેરાવળમાં 4 મીમી વરસાદ વરસ્યો છે.