જામનગર : બોલીવુડ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ધર્મ પરિવર્તનના મુદ્દે હાલમાં ખુબ ચર્ચામાં છે ત્યારે જામનગર પધારેલા દ્વારકાના જગતગુરૂ શંકરાચાર્યએ ધર્મ પરિવર્તનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું કે, આ રોકવા માટે તમામ સંગઠનોએ એક સાથે આવવું પડશે, સાથે ધર્મના માર્ગથી પણ આ રોકી શકાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરની ભૂમિ પર શારદા મઠના શંકરાચાર્ય પધાર્યા હતા. જગતગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ દેશમાં લવ જેહાદ, ધર્મ પરિવર્તન જે રીતે થઈ રહ્યા છે તે માટે વિવિધ સંસ્થાઓ અને સમાજે ચિંતા કરવાની જરૂર છે.
શું કહ્યું જગતગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજે?
તેમણે કહ્યું કે, ‘ખાસ કરીને સમાજમાં અનૈતિકતા વધી ગઈ છે, કાચી ઉંમરના બાળકોને પ્રલોભનો આપી ફસાવવામાં આવે છે. તરૂણ બાળકો ધર્મ સમજી શક્યા નથી અને ગુણદોષને પારખવાની ક્ષમતા તેમનામાં હોતી નથી ત્યારે તેઓ પ્રલોભન અને વાસનાની જાળમાં ફસાઈ જાય છે. સંતાનોને જાગૃત કરવા પડશે વધુ ધર્મમય બનાવવા પડશે.’
આ પણ વાંચો – વલસાડ : પારડીમાં પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, 2 લાખની બબાલનું ગંભીર પરિણામ
ધર્મ પરિવ્રતન માટે ફંડીંગ કયાંથી આવે છે?
શંકરાચાર્યએ કહ્યું, ‘મહત્વની વાત એ છે કે, ધર્મ પરિવર્તન માટે તેમની પાસે ફંડીંગ ક્યાંથી આવે છે, તે શોધી તેને રોકવું જોઈએ. દરેક સેવા સંસ્થા, તંત્ર, સત્તા પક્ષ, દરેકે એક સાથે આગળ આવી આની પર લગામ લગાવવી જોઈએ. વિધર્મી યુવકો પોતાનો ધર્મ છૂપાવી છેતરી હિન્દુ યુવતીઓને ફસાવે છે, ત્યારબાદ તેમને તરછોડી દે છે. ધર્મ પરિવર્તન માટે બાળકોમાં નિર્ણય લેવાની શક્તિ નથી હોતી અને નૈતિકતાનો બોધ ન હોવાના કારણે બાળકો દોરવાઈ જાય છે, અને પાછળથી તેઓ પછતાય છે.’