ભારતીય હવામાન વિભાગ (IMD) એ 7 સપ્ટેમ્બરે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને કારણે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સાત જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાં જ અમદાવાદમાં સતત પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે રિવરફ્રન્ટ પરના રસ્તાઓ ડૂબી ગયા હતા અને તંત્ર દ્વારા પણ લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી ભારે પાણી છોડવામાં આવ્યું હતું. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, 8 વર્ષ બાદ સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. તો હજી પણ બે દિવસ અવિરતપણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એકવાર 2017 જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સુભાષ બ્રિજ નજીક એક ભયાનક દૃશ્યો સામે આવી રહ્યા છે. અહીં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા બાદ અધિકારીઓએ પાછળથી રિવરફ્રન્ટના નીચલા ભાગ અને પૂર્વીય ભાગને બંધ કરી દીધો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ ખાસ શિક્ષકોને મળશે ઈનામ, જીવનભર કરી શકશે બસમાં મફત મુસાફરી
24 કલાકમાં અહીં રેકોર્ડ વરસાદ
હવામાન વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 243 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ નોંધાયો છે. પોઝીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ અને લાખણીમાં 4.09 ઇંચ વરસાદ પડ્યો છે.