Attacks On Foreign Students In Gujarat University Hostel : ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને યુવકો અમદાવાદના રહેવાસી છે. આ બંને યુવકોને ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે.
વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટના મામલે ઇન્ચાર્જ ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું છે કે આરોપીઓને પકડવા માટે 9 ટીમો બનાવવામાં આવી હતી. આ કેસમાં 25 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની નોંધ લીધી
વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની નોંધ લીધી છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ગઈકાલે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર ટોળાનો હિંસક હુમલો
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે થયેલી અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી એકને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય આ મામલે ગુજરાત સરકારના સંપર્કમાં છે.
પોલીસે શું કહ્યું?
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે તેઓએ તપાસ શરૂ કરી છે. અહીં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ અફઘાનિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકન દેશોના છે. કેટલાક લોકોએ નમાજ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકો આવ્યા અને પૂછ્યું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે અને તેઓએ મસ્જિદમાં નમાઝ અદા કરવી જોઈએ. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારપીટ કરી હતી.





