ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા 240 સિંહ અને 370 દિપડાના મોત થયા છે. આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યના વનમંત્રી મુળુ ભાઇ બેરાએ આ માહિતી આપી હતી.
પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નનો ઉત્તર આપતા વનમંત્રી મુળુ ભાઇ બેરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષ – 2021 અને 2022માં 123 સિંહ બાળ સહિત કુલ 240 સિંહોના મોત થયા છે, જેમાંથી 26 સિંહના મોત અકુદરતી કારણસર થયા છે. તેવી જ રીતે છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાતમાં 370 દીપડાના મોત થયા છે, જેમાં 100 બચ્ચા હતા.
સિંહના મૃત્યુઆંક પર નજર કરીયે તો વર્ષ 2021માં 124 અને વર્ષ 2022માં 116 સિંહના મોત થયા છે. તેવી જ રીતે વર્ષ 2021માં 179 અને વર્ષ 2022માં 191 દીપડા મરણ પામ્યા હતા. વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યુ છે તે સમયે વન મંત્રીએ વિધાનસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે.
છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામનાર 240 સિંહોમાંથી 214 જેટલા સિંહોના મોત કુદરતી કારણોસર જ્યારે 26 મૃત્યુ અકુદરતી કારણોસર થયા હતા, જેમાં વાહનોની અડફેટે આવવા, ખુલ્લા કૂવામાં પડી જવા જેવા વિવિધ કારણો જવાબદાર છે.
રાજ્ય સરકારે સિંહોના અકસ્માત કે અકુદરતી મોતને રોકવા માટે વિવિધ પગલાં લીધાં છે, જેમાં પશુ ચિકિત્સકોની નિમણૂક અને સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓની સમયસર સારવાર અને સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા વગેરે સામેલ છે. જૂન 2020માં હાથ ધરવામાં આવેલી છેલ્લી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 674 એશિયાટિક સિંહો છે. નોંધનીય છે કે, સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહો જોવા મળે છે.