રાજ્યના 5 લાખ પેન્શનરો માટે ખુશખબર, હયાતીની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં

Gujarat news : નાણામંત્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) વચ્ચે MOU થયા. રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે

Written by Ashish Goyal
May 01, 2025 23:24 IST
રાજ્યના 5 લાખ પેન્શનરો માટે ખુશખબર, હયાતીની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં
હયાતીની ખરાઇ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે

Gujarat news : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.

હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે. જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ કરવા માટે હવે હયાતીની ખરાઇની સેવા પેન્શનરોને વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા

હયાતીની ખરાઇ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની પોસ્ટ ઓફિસ/ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે. આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર-આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવશે. આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલના હયાતીની ખરાઇના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમ્ન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી ત્યારે બેકિંગ સેવા આપ કે દ્વાર મુખ્ય વિઝન હતું. આ વિઝનના ભાગરૂપે જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે ?

પેન્શનર્સને ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેને હવે IPPB ની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બેંકની ટીમ સામે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પી.પી.ઓ. નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ , મોબાઇલ નંબર જેવા મહત્વના ડેટા નાંખીને પેન્શનરની બાયોમેટ્રીક લેશે.

જેના પરિણામે ગણતરીની મીનિટમાં જ પેન્શરન્સના ડિજીટલી બાયોમેટ્રીક ઓથેન્ટિકેશનથી ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ ઇસ્યુ થઇ જશે. જેની એક ડિજીટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે. અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનર્સને પણ આ સેવાનો લાભ મળશે.જેના માટે તેઓને નજીકના પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનને સંપર્ક કરવાનો રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ