રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં 600થી વધુ શાળાઓ સીલ, વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ, ગુજરાત સરકારને રજૂઆત

Gujarat Schools Sealed After Rajkot Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર એનઓસી અને બીયુસીના અભાવે 600થી વધુ શાળાઓ સીલ કરવામાં આવી છે. ઉનાળું વેકેશન સમાપ્ત થવાનું છે ત્યારે આ શાળા ક્યારે ખુલશે તે અંગે પ્રશ્નાર્થ છે.

Written by Ajay Saroya
June 09, 2024 10:46 IST
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં 600થી વધુ શાળાઓ સીલ, વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ, ગુજરાત સરકારને રજૂઆત
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને સીલ કરાયેલી શાળા. (Exptess Photo/ Hanif Malek)

Gujarat Schools Sealed After Rajkot Fire (કમાલ સૈયદ): રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફાયર સેફ્ટી મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી .રાજ્યભરમાં 600-700 જેટલી શાળાઓને ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ ક્લિયરન્સ (BUCs)ને લઈને સીલ કરવામાં આવી હતી. નોંધનિય છે કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના કરુણ મોત થયા છે.

ગુજરાતની 600 શાળા સીલ, ક્યારે ખુલશે?

રાજકોટ દુર્ઘટના બાદ ગુજરાતમાં 600 થી 700 જેટલી શાળાઓને ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ ક્લિયરન્સ (BUCs)ને લઈને સીલ કરવામાં આવી છે. ઉનાળાની રજાઓ 13 જૂનના રોજ સમાપ્ત થવાની છે, શાળાઓએ હવે રાજ્ય સરકારને આ સમસ્યા ઉકેલવામાં મદદ કરવા માટે અપીલ કરી છે, ભારપૂર્વક જણાવ્યું છે કે જો ફરીથી ખોલવામાં વિલંબ થશે તો વિદ્યાર્થીઓને નુકસાન સહન કરવું પડશે.

સંબંધિત વાલીઓના પ્રશ્નો વચ્ચે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (સેલ્ફ-ફાઇનાન્સ્ડ સ્કૂલ એસોસિએશન) એ શુક્રવારે ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાને આ બાબતે રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે પાનસેરીયાએ આ મામલો ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મૂકવાની ખાતરી આપી હતી .

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પાનસેરિયાએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે રાજ્યભરમાં 600-700 ખાનગી શાળાઓને બીયુસી અને ફાયર એનઓસી ન હોવા બદલ સીલ કરવામાં આવી છે. સરકારી વિભાગે ગુજરાત હાઈકોર્ટના આદેશની માર્ગદર્શિકા પર કામગીરી કરી છે. સુરતમાં અમુક કેટલીક શાળાઓ સીલ કરવામાં આવી છે – સીમાંકન પછી શહેરની હદમાં આવી છે. હવે મુખ્ય મુદ્દો એ છે કે સીલ કરાયેલી શાળાઓ બીયુસી કેવી રીતે સબમિટ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રતિનિધિ મંડળ ગઈકાલે (7 જૂન) મને મળ્યા હતા અને તેઓ પણ જાણે છે કે શાળાઓએ યોગ્ય આગ સલામતીનાં પગલાં વિના કામગીરી કરવી જોઈએ નહીં. સીલ કરાયેલી મોટાભાગની શાળાઓ પાસે આવી મંજૂરીઓ છે. એકમાત્ર સમસ્યા બીયુસી છે. અમે આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું.

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં

ઉલ્લેખનિય છે કે, 25 મેના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગથી રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અને BUC (બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ અથવા પરમિશન) ન હોવાના કારણે ગુજરાત ભરતમાં સંખ્યાબંધ કોમર્શિયલ બિલ્ડિંગો, હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી.

Rajkot fire Incident On Gujarat High Court
રાજકોટ આગ દુર્ઘટના કેસ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી (ફાઈલ ફોટો)

આ કાર્યવાહી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઠપકો આપ્યા બાદ કરવામાં આવી હતી જેણે આ ઘટનાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી. હાઇકોર્ટે અગ્નિકાંડ બાદ કડક શબ્દોમાં કહ્યું હતું કે, હવે અમને હવે ગુજરાત સરકાર પર વિશ્વાસ નથી. તે સ્પષ્ટ થઈ ગયું હતું કે ગેમ ઝોન ફાયર ક્લિયરન્સ વગર ધમધમી રહ્યુ હતું.

સુરતમાં 200 શાળા સીલ

ગુજરાત ભરમાં સીલ કરાયેલા એકમોમાં સુરતમાં લગભગ 74 બિલ્ડિંગોમાં 200 જેટલી શાળાઓ ચાલે છે. અમદાવાદમાં છ અને ગાંધીનગરમાં ચાર શાળા બિલ્ડિંગ છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથ પરમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ત્યાં 74 થી વધુ ઈમારતો છે જે એક જ ઈમારતમાં સવાર, બપોરે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચલાવે છે. તેથી આ ઇમારતોમાંથી ચાલતી શાળાઓની સંખ્યા 200 થી વધુ છે.

શુક્રવારે, સ્કૂલ એસોસિએશને સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાણી અને સુરતના પાનસેરિયા ઉપરાંત એક મેમોરેન્ડમ પણ સોંપ્યું હતું અને માન્ય એનઓસી ધરાવતી શાળાઓને ફરીથી ખોલવા વિનંતી કરી હતી.

મેમોરેન્ડમ અનુસાર, સીલિંગ પ્રક્રિયા દરમિયાન સત્તાવાળાઓ દ્વારા શાળા સત્તાવાળાઓને બિનજરૂરી હેરાનગતિથી અમે નાખુશ છીએ. સુરતની મોટાભાગની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા છે પરંતુ બીયુસીની સમસ્યા છે. મોટાભાગની શાળાઓ જે સીલ કરવામાં આવી છે તેમની પાસે BUC નથી કારણ કે તે 25 થી 30 વર્ષથી વધુ જૂની છે. આ શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં હતી, જો કે હવે સીમાંકન પછી શહેરની હદમાં આવી ગઇ છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરના એફિડેવિટ મુજબ, 1 જૂનના રોજ 62 શાળાઓ પાસે માન્ય ફાયર એનઓસી હતી જ્યારે ચાર પાસે ન હતી. એફિડેવિટ અનુાર, ચાર પૈકી, 31 મેના રોજ, અંબાપુરમાં બા શ્રી વસંત કુંવરબા કન્યા વિદ્યાલય અને દિલ્હી પબ્લિક સ્કૂલને સીલ કરવામાં આવી હતી કારણ કે બંને શાળાઓ માન્ય ફાયર એનઓસી ન હોવા છતાં ખુલ્લી હતી. અન્ય બે શાળાઓ, જે અન્યથા બંધ છે, તેમને તેમના ફાયર સેફ્ટી સર્ટિફિકેટને તાત્કાલિક રિન્યુ કરવા નોટિસ આપવામાં આવી હતી.

અમદાવાદમાં 6 શાળા સીલ

અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસના ઇન્ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર એમ.બી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં હાલમાં છ શાળાઓ છે જે ફાયર ક્લિયરન્સને લઈને સીલ કરવામાં આવી છે. હાલમાં આ તમામ છ શાળાઓ ઉનાળા વેકેશનના લીધે બંધ છે, મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સીલ કરાયેલી શાળાઓએ કાં તો નવી ફાયર એનઓસી માટે અરજી કરવી પડશે અથવા રિન્યૂ કરવું પડશે. ત્યારબાદ જ શાળાઓ ફરીથી ખોલી શકાશે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ નોંધપાત્ર અસર અનુભવાઈ નથી અને સીલ કરાયેલી શાળાઓએ પહેલાથી જ ફાયર NOC માટે અરજી કરી દીધી છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ડિરેક્ટોરેટે જણાવ્યું છે કે જેમની પાસે ફાયર એનઓસી નથી તેઓએ 15 જુલાઈ સુધીમાં તેનું પાલન કરવાનું રહેશે.

ચૌધરીએ ઉમેર્યું હતું કે શહેરના ફાયર વિભાગ સાથે મળીને જિલ્લા શિક્ષણ કચેરીએ પણ ફાયર એનઓસી ધરાવતી ત્રણ શાળાઓમાં આશ્ચર્યજનક ઓડિટ હાથ ધર્યા હતા – ઉદગમ સ્કૂલ, નવકાર સ્કૂલ અને સેન્ટ કબીર. પ્રથમ બે શાળાઓમાં ફાયર સેફ્ટી તાલીમનો અભાવ, ખરાબ થયેલા સ્મોક ડિટેક્ટર, યોગા મેટ જેવી જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ, શાળાની લેબમાં ઓપરેશન સ્પ્રિંકલરનો અભાવ, વગેરે સાથે ઘણી ખામીઓ નોંધવામાં આવી હતી અને બંનેને એક સપ્તાહની અંદર ખામીઓને સુધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ દરમિયાન, તેના મેમોરેન્ડમમાં, સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને માંગ કરી હતી કે સત્તાવાળાઓએ BUC ના વિકલ્પ તરીકે શાળાઓના “માળખાકીય સ્થિરતા પ્રમાણપત્ર” ને ધ્યાનમાં લેવું જોઈએ.

આ પણ વાંચો | ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે? કેરળ થી કાશ્મીર સુધી ચોમાસાનો સંપૂર્ણ ટાઇમટેબલ જૂઓ

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મંડળના પ્રમુખ રાજેશભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ એવી શાળાઓ ફરીથી ખોલવી જોઈએ કે જેઓ પહેલાથી જ ફાયર સેફ્ટી સાધનો ધરાવે છે અને ઈમ્પેક્ટ ફીની પ્રક્રિયા પૂર્ણ કરીને બાંધકામ મંજૂર થવાની રાહ જોઈ રહ્યા છે. નવું શૈક્ષણિક વર્ષ 13 જૂનથી શરૂ થાય છે અને અમારી સ્થિતિ નિર્ણાયક છે. અમને ખબર નથી કે માતાપિતાને શું જવાબ આપવો. (અમદાવાદમાં સોહિની ઘોષના ઇનપુટ્સ સાથે)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ