કોણ છે ભાજપના ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના પાંચ આયાતી ઉમેદવારો?

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા, જેમા્ં સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.

Written by Kiran Mehta
March 26, 2024 17:52 IST
કોણ છે ભાજપના ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના પાંચ આયાતી ઉમેદવારો?
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 ભાજપ ઉમેદવાર (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Assembly By-Elections BJP Candidate : ભાજપે ચાર રાજ્યોના પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા માટે પેટા ચૂંટણીના ઉમેદવારના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચાર અને એક અપક્ષ ઉમેદવાર જે ભાજમાં જોડાયા તેમના નામ પર પસંદગી ઉતારી છે. જેમાં સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. તો જોઈએ આ આયાતી ઉમેદવારો કોણ છે.

કોણ છે સીજે ચાવડા – વિજાપુર ધારાસભ્ય

સીજે ચાવડા વિજાપુરથી ભાજપ તરફી પેટા ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, સીજે ચાવડાએ થોડા સમય પહેલા જ 19 જાન્યુઆરી 2024 ના રોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. ચાવડા, ત્રણ વખતના ધારાસભ્ય અને, કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, જેમણે છેલ્લી વિધાનસભામાં મુખ્ય દંડકનું પદ સંભાળ્યું હતું જ્યારે તેઓ ગાંધીનગર ઉત્તર મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. 2022 માં ચાવડાએ પોતાનો મતવિસ્તાર બદલીને મહેસાણા જિલ્લાના વિજાપુરથી ચૂંટણી લડી હતી. ચાવડા 2002 માં ગાંધીનગર બેઠક પરથી ગુજરાત વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. જો 2022 ના વિજાપુર બેઠકના પરિણામની વાત કરીએ તો, ચાવડાએ ભાજપના રમણ પટેલને હરાવી 7053ની લીડથી જીત નોંધાવી હતી.

કોણ છે અર્જુન મોઢવાડિયા – પોરબંદર ધારાસભ્ય

અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસના કદાવર નેતા હતા, જેઓએ કોંગ્રેસથી નારાજ થઈ 04 માર્ચ 2024 ના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ અને બીજા દિવસે ભાજપમાં જોડાયા હતા. જો અર્જુન મોઠવાડિયાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, અર્જુન મોઢવાડિયા વર્ષ 1997 માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત 2002 માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયા 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા હતા. આ પછી માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અર્જુન મોઢવાડિયા ઓબીસી સમુદાયના છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી આવે છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને રાજ્માં કોંગ્રેસ પાર્ટીની કમાન પણ સંભાળી ચૂક્યા છે. એક સમયે અહેમદ પટેલ બાદ ગુજરાતમાં તેમની ગણના બીજા નંબર પર થતી હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે અર્જુન મોઢવાડિયા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો હતા. તેમની 2022ની ચૂંટણીની વાત કરીએ તો, તેમણે પોરબંદર બેઠક પરથી ભાજપના બાબુ બોખરિયાને 8181 મતથી હરાવી જીત મેળવી છે.

કોણ છે અરવિંદ લાડાણી – માણાવદર ધારાસભ્ય

અરવિંદ લાડાણી 14 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. લાડાણી માણાવદરમાં ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે. તેઓ હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળ્યા છે. 2019 માં લાડાણી પેટા ચૂંટણીમાં ભાજપના નેતા જવાહર ચાવડા સામે હારી ગયા હતા પરંતુ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને 3453 મતથી હરાવ્યા હતા. લાડાણી 1997 થી કોંગ્રેસના પાયાના કાર્યકર છે. તેઓ 1989માં પહેલાવીર કોડવાવ ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા, આ સિવાય ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે પણ તેમણે જવાબદારી સંભાળેલી છે. તેમની ગણતરી છબી સ્વચ્છ નેતાઓમાં થાય છે.

કોણ છે ચિરાગ પટેલ – ખંભાત ધારાસભ્ય

ચિરાગ પટેલે ગત વર્ષે 19 ડિસેમ્બરમાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી છેડો ફાડી ભાજપમાં જોડાણ કર્યું હતું. ચિરાગ પટેલ રાજકારણ સાથે વ્યવસાયે કોન્ટ્રાક્ટર પણ છે. તેમણે 200ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મહેશ પટેલને 3711 મતથી હરાવી જીત પ્રાપ્ત કરી હતી. ચિરાગ પટેલે વાસણાના સરપંચ તરીકે ચૂંટાઈ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ આગેવાન તરીકેની ભૂમિકા માટે જાણીતા છે.

આ પણ વાંચોગુજરાત : ભાજપે વિધાનસભા પેટા ચૂંટણીની પાંચ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા

કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા – વાઘોડિયા ધારાસભ્ય

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે, અને વાઘોડિયા વિસ્તારના દબંગ નેતા તરીકે જાણીતા છે. તેમણે અપક્ષ ધારાસભ્ય પદેથી 25 જાન્યુઆરીએ રાજીનામું આપી ભાજપમાં વિધિવત જોડાણ કર્યું હતું. ધર્મેન્દ્ર સિંહ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અશ્વિન પટેલ અને કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને હરાવી અપક્ષ ઉમેદવરા તરીકે જીત પ્રાપ્ત કરી હતી. તેમને ભાજપ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ુમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્રસિંહ ક્ષત્રિય રાજપુત સમાજમાં આગેવાન નેતા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ