Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે સુરતમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે આરોપ લગાવ્યો કે તેમના રોડ શો માં પત્થરમારો કરવામાં આવ્યો. જો 27 વર્ષમાં ભાજપાએ કશુંક કામ કરી લીધું હોત તો મારા પર પત્થર ફેંકવાની જરૂર પડી ના હોત. જોકે કેજરીવાલના આરોપ પર પોલીસે કહ્યું કે આવી કોઇ ઘટના બની નથી.
કેજરીવાલના આ આરોપો પર ન્યૂઝ એજન્સી ANIએ ગુજરાત પોલીસના હવાલાથી કહ્યું કે અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાન પત્થરમારાની કોઇ ઘટના બની નથી. રેલી શાંતિપૂર્ણ રીતે નીકળી હતી. કેજરીવાલની રેલી દરમિયાન એક વ્યક્તિ મોદી-મોદીના નારા લગાવી રહ્યો હતો તેની અટકાયત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી કેજરીવાલના રોડ શો નો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલ પોતાના પર પત્થરમારો થવાનો આરોપ લગાવી રહ્યા છે. કેપ્શનમાં કેજરીવાલના નિવેદનને લઇને લખ્યું છે કે “પત્થરબાજ BJP!હાલ હું આવી રહ્યો હતો તો તેમણે મારા પર પત્થર ફેંક્યા. મારો શું વાંક? જો 27 વર્ષ કશુંક કામ કરી લીધું હોત તો મારા પર પત્થર ફેંકવાની જરૂર ના પડી હોત. તેમના નેતા કહે છે કે અમે કેજરીવાલના પગ તોડી દઇશું, આંખો ફોડી નાખીશું કારણ કે હું સ્કૂલ-હોસ્પિટલની વાતો કરું છું.
કેજરીવાલે કહ્યું કે ફક્ત ગુંડાગર્દી કરવાનું કામ થઇ રહ્યું છે. હાલ ચાર દિવસ પહેલા ભાજપાના એક નેતાએ કહ્યું કે કેજરીવાલની આંખ ફોડી નાખીશું, પગ તોડી નાખીશું, આખરે મેં શું કર્યું છે? મારો વાંક શું છે? કેજરીવાલે કહ્યું કે જેવી રીતે હું પોતાનું કામ બતાવી રહ્યો છું તેવી જ રીતે ભાજપા પણ પોતાનું કામ બતાવે. ગાળો આપવાથી ગુજરાતનો વિકાસ થવાનો નથી.