ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. હવે રાજકીય પક્ષો આ વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરી શકશે નહીં. કાર્યકરો અને નેતાઓ હવે ડોર-ટૂ-ડોર પ્રચાર કરશે. આ સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો હવે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સભા સંબોધવા પર ભાર આપશે. ત્યાં 5 ડિસેમ્બરે મતદાન છે એટલે હજુ જનસભાને સંબોધી શકાશે.
પ્રથમ તબક્કામાં તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો વોટ આપશે. 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો, જ્યારે 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.
19 જિલ્લામાં 89 બેઠકો પર થશે મતદાન
નર્મદા જિલ્લાની 2 બેઠક, ભરૂચ જિલ્લાની 5 બેઠક, સુરત જિલ્લાની 16 બેઠક, તાપી જિલ્લાની 2 બેઠક, ડાંગ જિલ્લાની 1 બેઠક, નવસારી જિલ્લાની 4 બેઠકવલસાડ જિલ્લાની 5 બેઠક, કચ્છ જિલ્લાની 6 બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક, મોરબી જિલ્લાની 3 બેઠક, રાજકોટ જિલ્લાની 8 બેઠક, જામનગર જિલ્લાની 5 બેઠક, દેવભૂમિ દ્વારકાની 2 બેઠક, પોરબંદર જિલ્લાની 2 બેઠક, જૂનાગઢ જિલ્લાની 5 બેઠક, ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક, અમરેલી જિલ્લાની 5 બેઠક, ભાવનગર જિલ્લાની 7 બેઠક, બોટાદ જિલ્લાની 2 બેઠક પર મતદાન થશે.
આ પણ વાંચો – 69 ટકા ઉમેદવારો ક્લાર્ક બનવાની પણ લાયકાત ધરાવતા નથી, 42 ઉમેદવારો અંગૂઠા છાપ
પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 1 ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે.
પ્રથમ તબક્કાના 21 ટકા ઉમેદવારો ‘દાગી’
પ્રથમ તબક્કાના 89 બેઠકોનો કુલ 788 ઉમેદારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 100 ઉમેદવારો ( 13 ટકા) સામે હત્યા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવાર એટલે કે 36 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં 30 વિરુદ્ધ હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 89માંથી 31 ઉમેદવારો (35 ટકા) અને ભાજપના 14 ઉમેદવારો (16 ટકા) વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 14માંથી 4 ઉમેદવારોએ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાની માહિત રજૂ કરી છે.
પ્રથમ તબક્કામાં 37 ઉમેદવારો ‘અભણ’
પ્રથમ તબક્કાના મતદાનમાં 788માંથી 37 ઉમેદવારો ‘અભણ’ છે તો 146 ઉમેદવારો ધોરણ- આઠ સુધી ભણેલા છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. ધોરણ-10 સુધી ભણેલા 142 ઉમેદવાર અને ધોરણ-12 સુધી ભલેણા 94 ઉમેદવાર છે. ચૂંટણીમાં ઝંપલાવનાર 83 ઉમેદવારો સ્નાત, 65 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ, 34 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુઅટ, 3 ઉમેદવાર ડોક્ટર અને 21 ઉમેદવાર ડિપ્લોમા સુધી ભણેલા છે.





