Gujarat Polls 2022: આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આપ પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે એક સર્વે કરાયો હતો. જેમાં ઇસુદાન ગઢવીને સૌથી વધારે મત મળ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તે કઇ સીટ પરથી ચૂંટણી લડશે તે વિશે હજુ કોઇ જાહેરાત કરાઇ નથી. આ દરમિયાન તમને જણાવી રહ્યા છીએ કે અત્યાર સુધી ગુજરાતની 16 સીટોએ મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદનો દબદબો જોવા મળી રહ્યો છે. હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા (અમદાવાદ)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતને નહીંવત પ્રતિનિધિત્વ
મુખ્યમંત્રીની સીટની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતને નહીંવત પ્રતિનિધિત્વ મળ્યું છે. એકમાત્ર શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતની રાધનપુર સીટ પરથી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તે ફક્ત 370 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા. આ પછી ઉત્તર ગુજરાતની સીટ પરથી કોઇ મુખ્યમંત્રી ચૂંટાયા નથી.
આ પણ વાંચો – કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરનાર મોહનસિંહ રાઠવાથી કોંગ્રેસને કેમ મોટો ફટકો પડશે?
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 17 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા હતા. જ્યારે રાજ્યના સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે જે ઓક્ટોબર 2001થી 2014 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રીઓની સીટ
| મુખ્યમંત્રી | બેઠક |
| જીવરાજ મહેતા | અમરેલી |
| બળવંતરાય મહેતા | ભાવનગર |
| હિતેન્દ્ર દેસાઈ | ઓલપાડ |
| ઘનશ્યામભાઈ ઓઝા | દહેગામ |
| ચીમનભાઇ પટેલ | સંખેડા |
| બાબુભાઈ જશભાઈ પટેલ | સાબરમતી |
| માધવસિંહ સોલંકી | ભાદરણ |
| અમરસિંહ ચૌધરી | વ્યારા |
| છબીલદાસ મહેતા | મહુવા |
| કેશુભાઈ પટેલ | વિસાવદર |
| સુરેશ મહેતા | માંડવી |
| શંકરસિંહ વાઘેલા | રાધનપુર |
| દિલીપ પરીખ | ધંધુકા |
| નરેન્દ્ર મોદી | રાજકોટ-2 |
| નરેન્દ્ર મોદી | મણિનગર |
| આનંદીબેન પટેલ | ઘાટલોડિયા |
| વિજય રૂપાણી | રાજકોટ (પશ્ચિમ) |
| ભૂપેન્દ્ર પટેલ | ઘાટલોડિયા |





