Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પ્રચાર ઝડપી બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ફરી સત્તા અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ચાર જનસભાને સંબોધિત કરી હતી. તેમણે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ ખાતે રેલીઓને સંબોધી હતી. પીએમ મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લઇ પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો હતો.
2017માં બીજેપીનું આ બેઠકો પર ખરાબ રહ્યું હતું પ્રદર્શન
પીએમ મોદીનું વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાનું ખાસ કારણ છે. 2017ની ચૂંટણીમાં અમરેલીમાં 5માંથી એકપણ સીટ મળી ન હતી. જ્યારે ગીર સોમનાથમાં 4 માંથી એકપણ સીટ મળી ન હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. ભાજપને ફક્ત 23 બેઠકો મળી હતી. અન્યને એક સીટ મળી હતી. જેથી પીએમ મોદીએ આ ખાસ બેઠકો પરથી જનસભા સંબોધિત કરી છે.
પીએમ મોદીની કમલમમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક
પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. કમલમમાં પીએમ મોદીએ હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. વડાપ્રધાન કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેઠા હતા. કાર્યકરોની તબિયત અને પરિવારની પૃચ્છા કરી હતી.
આ પણ વાંચો – ગુજરાતને બદનામ કરનારાથી બચીને રહો, આવા લોકોએ ગુજરાતમાં ન રહેવું જોઈએ: PM મોદી
સોમવારે પીએમ મોદી ત્રણ જનસભાને સંબોધિત કરશે
21 નવેમ્બરને સોમવારે PM મોદી ત્રણ સભાને સંબોધિત કરશે. સવારે 11 કલાકે દુધરેજ, સુરેન્દ્રનગરમાં બપોરે 1 કલાકે જંબુસર અને બપોરે 3 કલાકે નવસારીમાં જનસભાને સંબોધશે. 22મી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડીસા અને થરાદમાં જાહેર સભા સંબોધશે.
‘નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે’ એવી મારી ઇચ્છા છે – પીએમ મોદી
પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. વેરાવળ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે છતાં હું મહેનત કરી રહ્યો છું.
પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે, આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, “આપણો ઉદ્દેશ્ય વધુમાં વધુ વોટ અને વધુમાં વધુ પોલિંગ બૂથ જીતવાનો છે. આ વખતે જનતાએ મતદાનનો રેકોર્ડ તોડવાનો છે. “હું ઈચ્છું છું કે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે..” ભૂપેન્દ્ર જીતે તેની માટે નરેન્દ્ર કામ કરી રહ્યો છે.”





