Gujarat Assembly Election 2022 : ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEC) ના કાર્યાલયમાંથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બીજા તબક્કામાં જે 93 બેઠકો પર મતદાન થશે તેના માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાત ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોનું સમીકરણ
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે 179 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે તેણે પૂર્વ ચૂંટણી ગઢબંધનના ભાગરૂપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ને ત્રણ બેઠકો ફાળવી છે. પરંતુ દેવગઢ બારિયા બેઠક પરથી એનસીપીના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતા, એનસીપી પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
આમ આદમી પાર્ટી (AAP) એ પણ તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેમનો એક ઉમેદવાર સુરત પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચી ગયો છે, આમ આપ 181 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે. આ જિલ્લાઓમાં વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં આ જિલ્લાઓની બેઠકો પર મતદાન થશે
બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો – 15 વર્ષની ઉંમરે રાજનીતિની કરી શરૂઆત, સૌથી યુવા ધારાસભ્ય બન્યા, હર્ષ સંઘવી કેટલી સંપત્તિના માલિક?
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે, મુસ્લિમોને ટિકિટ આપવાની શરત
ભાજપે બે તબક્કાની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કુલ પાંચ યાદીઓ બહાર પાડી હતી, પરંતુ એક પણ યાદીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારનું નામ નથી. ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. વર્ષ 1980માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં નવ વિધાનસભાની ચૂંટણી થઈ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (2017)માં માત્ર ચાર મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા હતા. ચારેય કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.





