Congress MLA Harshad Ribadiya resigns: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મંગળવારે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાય તેવી અટકળો કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ સાથે હર્ષદ રિબડિયાની સફર
1995 માં વિસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. 2007 વિસાવદરની સીટ પરથી પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. 2012માં જીત મેળવી હતી. 2017માં કોંગ્રેસમાંથી વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપના કિરીટ પટેલ સામે 23,000 મતે જીત મેળવી હતી.
ચેતન રાવલ આપમાં જોડાયા
આ પહેલા કોંગ્રેસના અમદાવાદ શહેર એકમના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ તેમજ મોરબીની હળવદ નગરપાલિકાના પ્રમુખ મનસુખ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
કોંગ્રેસને 30થી વધારે સીટોનું નુકસાનનો અંદાજ
એબીપી-સી વોટરના ઓપિનિયન પોલના આંકડા ગુજરાતમાં બીજેપીને ફરી વાપસી બતાવી રહ્યા છે. બીજેપીએ 2017માં 99 સીટો જીતી હતી. આ વખતે ઘણો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે 2017માં 77 સીટો જીતી હતી. ઓપિનિયન પોલમાં કોંગ્રેસને આ વખતે 30થી વધારે સીટોનું નુકસાનનો અંદાજ છે.





