(અવિનાશ નાયર) ગુજરાતમાં 25 લાખ ચોરસ મીટરથી વધુ દરિયા કિનારાનું ધોવાણ થયું છે; જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચનો સૌથી વધારે દરિયા કિનારો ધોવાઇ ગયો છે જેને વર્ષ 2020માં બ્લુ ફ્લેગની માન્યતા પ્રાપ્ત થઈ હતી. ગત સપ્તાહે રાજ્યસભાને રજૂ કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતીનો ઘટસ્ફોટ થયો છે.
ગુજરાતના ક્યા- ક્યા દરિયા કિનારાનું ધોવાણ થયું ?
રાજ્ય સભામાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર દેવભૂમિ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ, સુરતના ડભારી બીચ અને સુવાલી બીચ, દાંડી બીચ અને વલસાડના તિથલ બીચના દરિયા કિનારાનું ધોવાણ થયું છે.
ક્યાં બીચ પર સૌથી વધારે અને સૌથી ઓછું ધોવાણ?
રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર ગુજરાતના જે પાંચ બીચ ધોવાણનો સામનો કરી રહ્યા છે તે પૈકી – શિવરાજપુર બીચના 33,000 ચોરસ મીટર કિનારાનું ધોવાણ થયું છે ઉપરાંત સુરતથી 33 કિમી દૂર ઓછા જાણીતા ડભારી બીચના દરિયા કિનારાનું સૌથી વધુ ધોવાણ થયું છે. રાજ્યસભામાં રજૂ થયેલો આ રિપોર્ટમાં નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ (NCSCM) દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનનો ઉલ્લેખ કરાયો છે. આ અહેવાલ વર્ષ 1990 અને 2021 દરમિયાન દરિયાકિનારાના ધોવાણ અને વૃદ્ધિ સાથે સંબંધિત છે. આ આંકડા 6 માર્ચના રોજ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેના લેખિત જવાબના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતનો ઐતિહાસિક દાંડી બીચ જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ત્યાં દરિયાની સપાટી વધવાથી 69,000 ચોરસ મીટરનો બીચ દરિયામાં ગરકાવ થઇ ગયો છે. વલસાડના તિથલ બીચના 69,000 ચોરસ મીટર અને સુરતથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલા સુવાલી બીચના 6.88 લાખ ચોરસ મીટર કિનારાનું ધોવાણ થયું છે.
ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની વાત કરીયે, સૌરાષ્ટ્રમાં આવેલા દીવના ઘોગલા બીચનો 13,000 ચોરસ મીટર દરિયા કિનારો ધોવાઈ ગયો છે.
દરિયા કિનારાના ધોવાણથી માછીમાર સમુદાયને સૌથી વધારે અસર
દરિયા કિનારાનું ધોવાણ માછીમાર સમુદાયો સહિત ધોવાણ-સંભવિત વિસ્તારોમાં રહેતા દરિયાકાંઠાના સમુદાયોને પ્રભાવિત કરે છે. NCCR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દર્શાવે છે કે દરિયા કિનારાના ફેરફારો એ કુદરતી અને માનવીય પ્રવૃત્તિઓની સંયુક્ત અસરનું પરિણામ છે અને દરિયા કિનારાનો વિસ્તાર ઘટવાથી માછીમારોના જમીન – મકાન અને આજીવિકાને નુકસાન થશે. દરિયા કિનારાનું ધોવાણ થવાથી કિનારે લંગારેલી બોટ-હોડી, માછલી પકડવની જાળ અને માછીમારી પ્રવૃત્તિની જગ્યા ગુમાવવાની નોબત આવશે.”
સમગ્ર દેશમાં દરિયા કિનારાનું ધોવાણ સૌથી વધુ ગુજરાતમાં
વિજ્ઞાન અને ટેક્નોલોજી અને અર્થ સાયન્સના કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે રજૂ કરેલા અન્ય આંકડાઓમાં ગુજરાતમાં 537.5 કિલોમીટરથી વધુ દરિયા કિનારાનું ધોવાણ થઈ રહ્યું છે, જે અસરગ્રસ્ત વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં સૌથી વધુ છે. NCCR ચેન્નઇના આંકડા અનુસાર ગુજરાતનો દરિયા કિનારો 1,945.6 કિમી લાંબો છે જેમાંથી 27.6 ટકા વિસ્તાર ધોવાણનો સામનો કરી રહ્યા છે. દમણ અને દીવમાં 34.6 ટકા દરિયા કિનારાનું ધોવાણ થઇ રહ્યું છે.
અન્ય રાજ્યોના દરિયા કિનારાની શું પરિસ્થિતિ છે?
દેશના અન્ય રાજ્યોના દરિયા કિનારાની વાત કરીયે તો પશ્ચિમ બંગાળ રાજ્યનો 60.5 ટકા અથવા 323 કિલોમીટરનો દરિયા કિનારાનો વિસ્તાર ધોવાણનો સામનો કરી રહ્યો છે. એવી જ રીતે કેરળનો 46 ટકા કે 275 કિમી, તમિલનાડુનો 42.7 ટકા કે 423 કિમી અને પુડુચેરીનો 56.2 ટકા કે 23 કિમીનો દરિયા કિનારો ધોવાણનો સામનો કરી રહ્યો છે.
કોંગ્રેસનો કેન્દ્ર અને ગુજરાત સરકાર પર હુમલો
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ સોમવારે રાજ્યના દરિયાકાંઠે થઈ રહેલા ધોવાણ અંગે ચેતવણી આપી છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવડિયાએ જણાવ્યું હતું “એવું લાગે છે કે કેન્દ્ર રાજ્યમાં થઈ રહેલા ધોવાણ વિશે ચિંતિત નથી. ધોવાણ પર સંશોધન કરતી સંસ્થાઓ તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ખોલવામાં આવી રહી છે. પરંતુ સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં આવું કોઈ સેન્ટરર નથી. એવું લાગે છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર બંને દરિયાકાંઠાના ધોવાણને રોકવા માટે કોઇ કામગીરી કરી રહ્યા નથી. ”
દરિયાની જળ સપાટી વધવાનું જોખમ
ગુજરાત પર દરિયા કિનારાનું ધોવાણ થવાની સાથે સાથે તેની જળ સપાટી વધવાનું જોખમ સર્જાઇ રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા 2021માં તૈયાર કરવામાં આવેલા ‘ધ ગુજરાત સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ’માં જણાવવામાં આવ્યું છે કે, દરિયાઈ સપાટીમાં વધારો થવાથી રાજ્યના બંદરો પર જોખમ ઉભું થયુ છે. “રિસર્ચ અનુસાર કે ગુજરાતના દરિયા કિનારાનો 45.67 ટકા વિસ્તાર ઉચ્ચથી અત્યંત ઉચ્ચ જોખમ શ્રેણીમાં આવે છે. અત્યંત જોખમી શ્રેણી હેઠળના દરિયાકાંઠાના વિસ્તારો ખંભાતના અખાતનો ઉત્તર-પશ્ચિમ વિસ્તારો, કચ્છના અખાતના ઉત્તર-મોટા ભાગનો વિસ્તાર અને કચ્છના દરિયાકાંઠાના પશ્ચિમ વિસ્તાર છે. ઉપરાંત કંડલા, મુન્દ્રા અને પીપાવાવ બંદરો સહિત નાના-મોટા 19 બંદરો ઉપર ગુજરાતના દરિયાની જળસપાટી વધવાથી મોટુ જોખમ ઉભુ થયુ છે.