ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરેશ ધાનાણીને નાસિકની શ્રીજી હોસ્પિટલ સારવાર અર્થે ખસડવામાં આવ્યા છે. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં પરેશ ધાનાણીની તબિયત સુધારા પર હોય તેમ જાણવા મળ્યું છે.
ગુજરાત કોંગ્રેસે કર્યું ટ્વીટ
સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ગુજરાત કોંરગ્રેસે ટ્વીટ કરીને પરેશ ધાનાણી વિશે માહિતી આપી છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું,”કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીજી ની નાશિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક ખાતે ખસેડાયા છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે. તાત્કાલિક પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના.”
ગુજરાત કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણી
તમને જણાવી દઈએ કે, પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસના યુવા નેતા છે તેમની હાલની ઉંમર આશરે 47 વર્ષ છે. તેઓ ગુજરાતના રાજકારણમાં તૌખાર અને જુજારુ નેતા તરીકેની છાપ ધરાવે છે. સંતાનમાં તેમને બે દીકરીઓ છે અને અમરેલી જિલ્લાના છે. કવિતાઓ કરવાના શોખીન પરેશ ધાનાણી લોકભોગ્ય અને સરળ વ્યક્તિત્વ છે.





