ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ શાસકપક્ષ ભાજપ નારાજ મતદારોને રિઝવવા સક્રિય થઇ છે. ગુજરાત સરકારે શિક્ષક મતદારોનો આક્રોશ દૂર કરવા માટે રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે.
આ 2600 વિદ્યા સહાયકોની ભરતી અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગો માટે 1000 તેમજ ધોરણ 6 થી 8 સુધીના વર્ગો માટે 1600, એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
વધુ જાણકારી આપતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જેમાં ધોરણ 1થી 5 સુધીના વર્ગો માટે 1000 વિદ્યા સહાયકો, ગણિત – વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. વિદ્યા સહાયકોની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોની મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. જે હેઠળ આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને વધારાના પાંચ ટકા ગુણ આપવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી પગાર વધારો અને અન્ય માંગણીઓ પૂરી ન થવાના લીધે શિક્ષકોમાં પણ રાજ્ય સરકાર પ્રત્યે ઘણો આક્રોશ જોવા મળ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પક્ષ નારાજ વર્ગના મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે.