ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી લડવા માટે ઉમેદવારોના નામાંકન બાદ વેરિફિકેશન અને નામ પાછું ખેંચવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. ટિકિટ મળવાથી ભાજપના કેટલાંક નારાજ ઉમેદવારોએ બળવો કર્યો છે અને અક્ષપ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. પાર્ટીના આવા બળવાખોર નેતાઓને પક્ષનું સભ્યપદ રદ કરવાની સીઆર પાટીલે ચીમકી આપી છે.
બળવાખોર નેતા અપક્ષ ચૂંટણી લડશે તો સસ્પેન્ડ કરાશે
ગુરુવારે અમદાવાદ ખાતે સીઆર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં સીઆર પાટીલે કહ્યુ કે, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટ ન મળવાને કારણે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડનાર બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સુરતના મધુ શ્રીવાસ્તવ સહિત ઘણા નેતાઓએ ભાજપ પક્ષ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
‘કાર્પેટ બોમ્બિંગ’થી ભાજપનો ચૂંટણી પ્રચાર આજથી શરૂ
સીઆર પાટીલે વધુમાં માહિતી આપી કે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી જ રાજ્યમાં ચૂંટણી વખતે ‘કાર્પેટ બોમ્બિંગ’ની રણનીતિ હેઠળ પ્રચાર અભિયાન કરવામાં આવે છે. ગુજરાતમાં 18 નવેમ્બર, 2022 શુક્રવારના રોજથી ત્રણ દિવસ માટે ભાજપ પાર્ટી અને પક્ષના ઉમેદવારો તરફથી વિધિવત ચૂંટણી પ્રચારની શરૂઆત થશે. જેમાં ગુજરાતના વિવિધ પ્રદેશોમાં કેન્દ્ર અને રાજ્યના મોટા નેતાઓ, પ્રદેશ અધ્યક્ષો દ્વારા જનસભા અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.
કેન્દ્રના 15 નેતાઓ 46 બેઠકો અને રાજ્યના 14 નેતાઓ 36 બેઠકો પર સભા સંબોધશે
વિધાનસભાની ચૂંટણી માટે શુક્રવારથી ભાજપનું ‘કાર્પેટ બોમ્બિંગ’ ચૂંટણી અભિયાન શરૂ થઇ રહ્યુ છે. જેમાં ગુજરાતમાં વિવિધ પ્રદેશોમાં કેન્દ્રમાંથી આવેલા 15 નેતાઓ કુલ 46 બેઠકો પર ચૂંટણી સભાઓ યોજશે. તો રાજ્યના 14 નેતાઓ આ દરમિયાન 36 બેઠકો પર ચૂંટણી સભા સંબોધશે. એક નેતા એક દિવસમાં 3 જનસભા સંબોધશે. ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવનાર 15 કેન્દ્રીય નેતાઓમાં જેપી નડ્ડી, નીતિન ગડકરી, નરેન્દ્રસિંહ તોમર, અનુરાગ ઠાકુર, શિવરાજ સિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણીસ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ત્રણ દિવસમાં ‘કાર્પેટ બોમ્બિંગ’ અભિયાન હેઠળ ગુજરાતમાં 36 બેઠકો ચૂંટણી પ્રચાર કરનાર રાજ્યના 14 નેતાઓમાં સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી, નીતિન પટેલ, આરસી ફળદ્રુ, ગોરધન ઝડફિયાનું નામ છે.




આ પણ વાંચોઃ જો કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઈને મારીશ – ભાજપના મધુ શ્રીવાસ્તવે આપી ધમકી
182 બેઠકો પર 4100 કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો
ભાજપના કાર્યકર્તાઓની નારાજગી મામલે સીઆર પાટીલે કહ્યુ કે, દરેકને ચૂંટણી લડવાની ટિકિટ આપવી શક્ય નથી. આ વખતે 182 બેઠકો પર ચૂંટણી લડવા પક્ષના 4100 કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. તેની પહેલા પંચાયતની ચૂંટણીમાં 9000 બેઠકો પર 2 લાખ કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી.