Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં વ્યસ્ત છે. આ અંતર્ગત, સોમવારે (14 નવેમ્બર, 2022), કોંગ્રેસે તાત્કાલિક અસરથી ગુજરાત ચૂંટણી માટે ઝોન નિરિક્ષક, લોકસભા નિરીક્ષકો, અન્ય નિરીક્ષકોની નિમણૂક કરી છે. ઝોનલ નિરીક્ષકોમાં મુકુલ વાસનિક, મોહન પ્રકાશ, પૃથ્વીરાજ ચવ્હાણ, બીકે હરિપ્રસાદ અને કેએચ મુનિયપ્પાનો સમાવેશ થાય છે. તો લોકસભા ઓબ્ઝર્વરમાં 32 નામ છે, જ્યારે શકીલ અહેમદ ખાન, શિવાજીરાવ મોગે, કાંતિલાલ ભૂરિયા સહિત પાંચને અન્ય નિરીક્ષકોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસે રવિવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. જેમાં જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દલિત નેતા જીગ્નેશ મેવાણી 2017માં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રવિવારે જામનગરની જનતાને તેમની પત્ની રીવાબા જાડેજાને મત આપવા અપીલ કરી હતી. રિવાબાને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જામનગર (ઉત્તર) બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જાડેજાએ જામનગરના લોકોને અને ક્રિકેટ ચાહકોને તેમની પત્નીને મત આપવા વિનંતી કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો.
જો સત્તામાં આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે : કોંગ્રેસ
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસનો ઘોષણાપત્ર ‘જન ઘોષમા પત્ર 2022’ જાહેર કર્યો હતો. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે વચનો આપ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં દરેક ગુજરાતીને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને મફત દવાઓ તેમજ 300 યુનિટ મફત વીજળી, બાકી વીજળીના બિલ માફ કરવાનું વચન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસે સત્તામાં આવશે તો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરી સરદાર પટેલ સ્ટેડિયમ રાખવાનું વચન આપ્યું છે. પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કેબિનેટની પ્રથમ મીટિંગથી જ આ વાયદાઓને સરકારના સત્તાવાર દસ્તાવેજ બનાવીને કામ કરવામાં આવશે.
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.





