પક્ષીઓના પીંછાનું ડોક્યુમેન્ટિંગ કરી અમદાવાદી મહિલાએ ગુજરાતમાં પ્રથમ રેકોર્ડ બનાવ્યો

પક્ષીઓનું સમગ્ર બોડી પીંછાઓથી જ બનેલું હોય છે. કોઈ નાનામાં નાનું પક્ષી હોય તો તેમાં ઓછામાં ઓછા આશરે 1000 પીંછા હોય છે અને મોટામાં મોટા પક્ષીમાં આશરે 25000 પીંછા હોય છે.

Written by Rakesh Parmar
Ahmedabad September 02, 2025 19:49 IST
પક્ષીઓના પીંછાનું ડોક્યુમેન્ટિંગ કરી અમદાવાદી મહિલાએ ગુજરાતમાં પ્રથમ રેકોર્ડ બનાવ્યો
કર્ણાટક રાજ્યમાં જે પણ પક્ષી મૃત્યુ પામે તે ફેધર લાઇબ્રેરીને ડોનેટ થાય છે. (તસવીર: સોશિયલ મીડિયા)

તમે ક્યાંક જતા હોય અને તમને કોઈ પક્ષીનું પીંછું મળે તો? તમને અચૂકપણે લેવાનું મન થાય. ખરું ને ? મોટા ભાગના વ્યક્તિઓ પોતાની ડાયરીમાં કે પછી બુકમાં કોઈ ના કોઈ પક્ષીનું પીંછું રાખતા હોય છે. પક્ષીઓ હોય છે એટલાં સુંદર અને રંગબેરંગી. આવા જ એક પક્ષી પ્રેમી છે અમદાવાદના એશા મુનશી કે જેમને બર્ડ ફોટોગ્રાફીનો ઘણો શોખ છે. પરંતુ લોકડાઉનના સમયમાં તેમના આંગણે એક ઈન્ડિયન સિલ્વરબિલ નામનું પક્ષી ઘાયલ અવસ્થામાં આવ્યું. કોઈ પ્રાણીએ તેના પર હુમલો કર્યો હતો. એશા મુનશી એ તે પક્ષીને તો બચાવી લીધું પરંતુ તેના કેટલાક પીંછા ખરી પડ્યા. પરંતુ તેના પીંછા એ એશા મુનશીને વધુ જાણવા માટે આકર્ષિત કર્યા, તેમણે તેના માટે ઘણું રિસર્ચ કર્યું પછી તેમને વિચાર આવ્યો કે બર્ડ ફોટોગ્રાફી તો ઘણાં લોકો કરે છે પરંતુ ઝૂઓલોજી અને ઓર્નિથોલોજી ભણતાં સ્ટુડેંટ્સને પક્ષીઓના પીંછાઓ અંગે જાણવું હોય તો? આ માટે એશા મુનશી એ “ફેધર લાઈબ્રેરી”નામની ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરી છે કે જેનાથી પક્ષીઓના પીંછા અંગે જ બધી માહિતી મળી રહે. તાજેતરમાં જ તેમણે દુર્લભ પક્ષી સૂટી શીયરવોટર (Sooty Shearwater) (Ardenna grisea)નું ડોક્યુમેન્ટિંગ કરીને ભારતમાં સેકન્ડ રેકોર્ડ બનાવ્યો છે અને ગુજરાતનો આ પ્રથમ રેકોર્ડ છે.

એશા મુનશીનું માનવું છે કે તેઓ લોકોને વધુને વધુ જાગૃત કરવા માંગે છે. તેઓ કહે છે કે, “પક્ષીઓનું સમગ્ર બોડી પીંછાઓથી જ બનેલું હોય છે. કોઈ નાનામાં નાનું પક્ષી હોય તો તેમાં ઓછામાં ઓછા આશરે 1000 પીંછા હોય છે અને મોટામાં મોટા પક્ષીમાં આશરે 25000 પીંછા હોય છે. આ બાબતથી ઘણાં લોકો અજાણ હશે.” હાલમાં ફેધર લાઈબ્રેરીમાં 350થી વધુ પક્ષી નમૂનાઓ સંરક્ષિત છે, જેમાં 154 ભારતીય પક્ષીઓની પ્રજાતિ (કિંગફિશરથી લઈને ફ્લેમિંગો સુધી)નું પ્રતિનિધિત્વ થાય છે. ગુજરાત અને કર્ણાટકમાં ફેધર લાઈબ્રેરી સક્રિય સહયોગ સાથે કાર્યરત છે, તેમજ તમામ એન્ટ્રીઓ સંપૂર્ણપણે ડિજિટાઈઝ્ડ છે, જે ફેધર લાઈબ્રેરીની વેબસાઈટ પર સરળતાથી શોધી શકાય છે.

Sooty Shearwater
તાજેતરમાં જ તેમણે દુર્લભ પક્ષી સૂટી શીયરવોટર (Sooty Shearwater) (Ardenna grisea)નું ડોક્યુમેન્ટીન્ગ કરીને ભારતમાં સેકન્ડ રેકોર્ડ બનાવ્યો છે અને ગુજરાતનો આ પ્રથમ રેકોર્ડ છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક રાજ્યમાં જે પણ પક્ષી મૃત્યુ પામે તે ફેધર લાઇબ્રેરીને ડોનેટ થાય છે. એશા મુનશી માને છે કે અમદાવાદ અને ગુજરાત પાસે આ વિષય અંગે ઘણું જાણવા જેવું છે પરંતુ તે અંગે યોગ્ય અવેરનેસ ફેલાવવાની જરૂર છે.

એશા મુનશીને આશા છે કે તેઓ એક્સ-રે (સ્કેલેટન ડેટાઇલ્સ માટે) અને સીટી સ્કેન (સોફ્ટ ટીશ્યુની વિગતો માટે) લઈને તેમના સાહસમાં વધુ મૂલ્ય ઉમેરશે. હાલમાં તેમને ફક્ત ગુજરાતમાં અને કર્ણાટકમાં જ પક્ષીઓના પીંછા પર કામ કરવાની પરવાનગી છે, પરંતુ તેઓ અન્ય રાજ્યના પક્ષીઓ પર કામ શરૂ કરવા માંગે છે.

એશા મુનશી જણાવે છે કે, “ફેધર લાઇબ્રેરીની સ્થાપનાનો મુખ્ય ધ્યેય વિજ્ઞાન અને સમાજને કંઈક અર્થપૂર્ણ પાછું આપવાનો હતો. એક પક્ષીનિરીક્ષક તરીકે મને સમજાયું કે આપણે પક્ષીઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ અને તેમના પીંછા, અવાજ અને વર્તન આપણા ઇકોસિસ્ટમમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ કેવી રીતે ધરાવે છે. હું એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગતી હતી જે આ આંતરદૃષ્ટિને સાચવે અને તેમને સંશોધકો અને જનતા માટે સુલભ બનાવે. ફેધર લાઇબ્રેરી બિન-આક્રમક પક્ષી નમૂનાનો સંગ્રહ ધરાવે છે, જે સંરક્ષણ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનમાં ફાળો આપે છે. આ પ્રોજેક્ટથી પક્ષી શિક્ષણમાં મારી રુચિ જાગી કારણ કે મેં જોયું કે જ્ઞાન વહેંચવાથી અન્ય લોકો પક્ષીઓ અને તેમના રહેઠાણોની કાળજી લેવા માટે કેવી રીતે પ્રેરણા મેળવી શકે છે. શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફેધર લાઇબ્રેરી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પક્ષી ઉત્સાહીઓને પ્રકૃતિ સાથે અર્થપૂર્ણ રીતે જોડાવા માટે સશક્ત બનાવે છે. આખરે, હું પક્ષીઓ અને આપણા વિશ્વમાં તેમની ભૂમિકા પ્રત્યે ઊંડી પ્રશંસાને પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખું છું, વિજ્ઞાન અને સમાજ વચ્ચેના અંતરને દૂર કરું છું.”

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ભાવમાં ઘટાડો, સરકારે પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 15 પૈસા ઘટાડ્યા

લોકો ખાસ કરીને બાળકો હંમેશા વધુ શીખવા માટે આતુર હોય છે અને તે જિજ્ઞાસાને અર્થપૂર્ણ, આકર્ષક જ્ઞાનથી પોષવાની જવાબદારી આપણી છે. પછી ભલે તે વ્યવહારુ અનુભવો દ્વારા હોય, વન્યજીવન વિશેની વાર્તાઓ દ્વારા હોય, કે પછી તેમને બહારના સંશોધનમાં માર્ગદર્શન દ્વારા હોય, આપણે તેમના મનને પ્રકૃતિના અજાયબીઓ માટે ખોલવાની ચાવી રાખીએ છીએ. તેમની શીખવાની ઇચ્છાને પોષીને, આપણે પ્રકૃતિના હિમાયતીઓ, સંરક્ષણવાદીઓ અને જાગૃત નાગરિક તરીકે આગામી પેઢીને કેળવવામાં મદદ કરીએ છીએ – જેની વિશ્વને હવે પહેલા કરતાં વધુ જરૂર છે.- તેવું એશા મુન્શી માને છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ