Gir Lion Rescue Operation: ગીર સિંહ ગુજરાતનું ઘરેણું છે અને તેના રક્ષણ માટે વન વિભાગ પ્રયત્નશીલ છે. તાજેતરમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણીઓનો જીવ બચાવવામાં ગુજરાત વનવિભાગને મોટી સફળતા મળી છે. વન વિભાગ દ્વારા કુલ 8 ઘટનામાં 7 સિંહ સહિત અન્ય 9 વન્યપ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડી જીવ બચાવ્યો છે. ઘણી વખત સિંહ રહેણાંક વિસ્તાર નજીકમાં આવી જાય છે જ્યારે વન વિભાગ દ્વારા પ્રાણીઓને ફરી જંગલ તરફ ખેસડવાની કામગીરી કરવામાં આવે છે.
રેલવે ટ્રેક નજીક 7 સિંહ આવી ચઢ્યા, વન વિભાગે સુરક્ષિત ખસેડી જીવ બચાવ્યો
તાજેતરમાં પીપાવાવ રેલવે ટ્રેક પર 7 સિંહ અન્ય વન્યપ્રાણીઓ આવી ગયા હતો. જો કે સદનસીબે વનવિભાગના કર્મચારીઓ દ્વારા પ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડી તેમનો અમૂલ્ય જીવ બચાવ્યો છે. આ ઘટના અંગે પાલીતાણા શેત્રુજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ગત 15 જૂનના રોજ વનવિભાગને કુલ 8 ઘટનામાં રેલવે ટ્રેક નજીક 7 સિંહ જેમા 1 માદા સિંહ હતી અને અન્ય 9 વન્યપ્રાણીઓે દૂર ખસેડી તેમનો જીવ બચાવવાની કામગીરીમાં સફળતા મળી છે.
વન્યજીવ પ્રેમી ખેડૂત પ્રવિણ ચૌહાણ દ્વારા વનવિભાગને ફોન કરી રેલવ ટ્રેક નજીક સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જાણકારી મળતા જ વનવિભાગનો સ્ટાફ રેલવે ટ્રેક નજીક પહોંચી ગયા હતા. વન વિભાગના કર્મચારીઓ દ્વારા વન્યપ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડવાની કામગીરી કરી, જેમા તેમને સફળતા મળી હતી.
આ પણ વાંચો | રાજકોટ : રહેણાંક સોસાયટીના સ્વિમિંગ પુલમાં બે માસૂમ બાળકીઓના ડૂબી જતા મોત
મે મહિનામાં 65 ઘટનામાં 114 પ્રાણીઓનો જીવ બચાવ્યો
વનવિભાગ અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, મે મહિનામાં રેલવે ટ્રેક નજીક વન્યપ્રાણીઓ આવી ચડ્યા હોવાની કુલ 65 ઘટના બની છે, જેમા 114 પ્રાણીઓનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે, રેલવે ટ્રેક નજીક વન્યપ્રાણીઓ દેખાય તો 1926 પર કોલ કરી વનવિભાગને જાણ કરવી, જેથી તેમનો જીવ બચાવી શકાય.