Former Gujarat Governor Om Prakash Kohli Passed Away : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન થયું છે. તેમના પ્રપૌત્રીએ ટ્વિટ કરીને નિધન અંગે માહિતી આપી છે. 87 વર્ષની જૈફ વયે તેઓનું નિધન થયું છે. ઓપી કોહલીના પૌત્રી કર્નિકાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને જણાવ્યું કે, મારા દાદા ઓમપ્રકાશ કોહલી, ભૂતપર્વ ગર્વનર ગુજરાત અને રાજ્યસભા સાંસદનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે (મંગળવારે)સવારે 11.30 કલાકે નવી દિલ્હીમાં નિગમબોધ ઘાટ પર થશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના નિધન અંગે ટ્વિટ કર્યું છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીજીના નિધનના સમાચાર અંત્યત દુ:ખદ છે. તેમનું સમર્પણ અને સેવાભાવ લોકોને હંમેશા પ્રેરિત કરતા રહેશે. ઓમ શાંતિ.
ઓપી કોહલી જુલાઇ 2014થી જુલાઇ 2019 સુધી ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા
ઓમપ્રકાશ કોહલી જુલાઇ 2014થી જુલાઇ 2019 સુધી ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા. 8 સપ્ટેમ્બર 2016થી 19 જાન્યુઆરી 2018 સુધી ગુજરાતની સાથે મધ્ય પ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ટીવી ચેનલના ભાવ વધારા સામે ગુજરાતમાં કેબલ ઓપરેટરોએ ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો
ઓમપ્રકાશ કોહલી 1994 થી 2000 સુધી રાજ્ય સભાના સભ્ય હતા.તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 1999-2000માં ભાજપાના દિલ્હી યૂનિટના પ્રમુખ હતા. કટોકટી દરમિયાન તેઓની મીસાના કાયદા હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી.
તેમણે દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી છે અને 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. ઓમપ્રકાશ કોહલી લેખક પણ છે. તેમણે હિન્દી ભાષામાં રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર, શિક્ષાનીતિ અને ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.