Gujarat Gaurav Yatra : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections) ના પડઘમ વાગી ચુક્યા છે. રાજ્યની મુખ્ય પાર્ટી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) સહિત આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ વિધાનસભા ચૂંટણી જીતવા જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે આજે બીજેપી તરફથી ફરી એકવાર ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે (JP Nadda Gujarat Visit) છે. તેમણે બહુચર માતાના ધામ બહુચરાજીથી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને જનસભા સંબોધી છે. તો જોઈએ તેમણે શું કહ્યું?
આ ભાજપની યાત્રા નહીં, સમગ્ર દેશની યાત્રા
જે.પી. નડ્ડાએ કહ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રા એ માત્ર ભાજપની યાત્રા નથી. આ સમગ્ર દેશની યાત્રા છે. નડ્ડાએ કહ્યું કે, દેશ આજે જે રીતે વિશ્વમાં ઊંચી છલાંગ લગાવી રહ્યો છે. ગુજરાત એ ગૌરવયાત્રાની ગંગોત્રી છે. ભારતને આધુનિક બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. નડ્ડાએ કહ્યું કે, આ ગુજરાત ગૌરવ યાત્રામાં સૌએ ગર્વ સાથે ભાગ લેવો પડશે. તમે પહેલા ગુજરાતની વિકાસ યાત્રા જોઈ, હવે તમે દેશની વિકાસ યાત્રા જોઈ રહ્યા છો.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વર્ષોથી બાવળના વૃક્ષો વાવે છે. કોંગ્રેસ પાર્ટી પોતે જ આજે અટવાઈ ગઈ છે, ભટકાઈ ગઈ છે અને લટકી રહી છે. ગુજરાતે વિકાસના પરિમાણો સ્થાપિત કર્યા છે. મમતાજીએ નેનોને ના કહી દીધી તો, મોદીજીએ કહ્યું ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતને હરિયાળું બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું.
10 વર્ષ નર્મદાનું કામ અટકાવનાર આજે વોટ માંગવા આવી રહ્યા
તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે કોંગ્રેસ અને AAP પર જોરદાર પ્રહારો કર્યા હતા. રૂપાલાએ મેધા પાટકરનું નામ લઈને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. રૂપાલાએ કહ્યું હતું કે, 10 વર્ષથી નર્મદાનું કામ અટકાવનાર લોકો આજે ગુજરાતમાં વોટ માંગવા આવી રહ્યા છે. રૂપાલાએ ગુજરાતમાં પાણીની વ્યવસ્થાનો શ્રેય માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને આપ્યો છે. રૂપાલાએ કહ્યું કે આ લોકોથી સાવચેત રહેવાની જરૂર છે.
ગુજરાતે બે દાયકામાં આટલી પ્રગતી કરી તેનો શ્રેય પીએમ મોદીને
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનું સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
ગૌરવ યાત્રા યોજી શું છે બીજેપીનો પ્લાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના-દિવસો બાકી છે ત્યારે 10 દિવસમાં ભાજપનો પ્લાન કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી 144ને આવરી લેવાનો છે. આ યાત્રા કુલ 5,734 કિમીની હશે. યાત્રા દરમિયાન 145 જાહેર સભાઓ પણ યોજાશે.

ગૌરવ યાત્રાનો રૂટ
આ ગૌરવ યાત્રાના 5 રૂટમાં મહેસાણા જિલ્લાના બેચરાજીથી કચ્છ જિલ્લાના માતાનો મઢનો સમાવેશ થાય છે. દ્વારકાથી લઈને પોરબંદર, અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ, દક્ષિણ ગુજરાત નવસારી જિલ્લામાં આવેલ ઉનાઈથી મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ફાગવેલ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં આવેલા ઉનાઈનો સમાવેશ થાય છે.

જેપી નડ્ડાએ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
ગૌરવ યાત્રામાં વરિષ્ઠ નેતાઓ જેવા કે, જેપી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ જેમ કે ભુપેન્દ્ર યાદવ, પિયુષ ગોયલ, મનશુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર, ગજેન્દ્ર શેખાવત, સરબાનંદ સોનેવાલ હરદીપ પુરી, પ્રહલાદ જોષી, ધર્મેન્દ્ર પ્રધાન, સંજીવ બાલ્યાન અને રાવ સાહેબ દાનવેની હાજરીમાં બુધવારે બેચરાજી અને દ્વારકાથી યાત્રાના બે ચરણનું પ્રસ્થાન કરવામાં આવ્યું. રાજ્યના નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઘણા પૂર્વ મંત્રીઓ ગૌરવ યાત્રામાં હાજર રહ્યા હતા.