ગુજરાતમાં કમોમસી વરાસદના કારણે જગતના તાતને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ અને ઉભો પાક નાશ પામ્યો છે. આવામાં ખેડૂત આગેવાનો તેમજ રાજનૈતિક પાર્ટીઓ ખેડૂતોને સહાય મળે તે અંગે સરકાર પર દબાણ કરી રહી છે. આવામાં મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કર્યું છે, “કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે”.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતનાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે AAP દ્વારા વધું 2 કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયાના ભાણવડ ખાતે 9 નવેમ્બરનાં રોજ, ગીર સોમનાથ ખાતે 11 નવેમ્બરનાં રોજ કિસાન મહાપંચાયત યોજાશે. ત્યાં જ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગુજરાતનાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કિસાન મહાપંચાયતનું આયોજન થશે.





