ગુજરાત સરકાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરી શકે છે. આને લાગુ કર્યા પહેલા દરેક પહેલુના મુલ્યાંકન કરવા માટે ઉત્તરાખંડની જેમ જ સરકાર એક સેવાનિવૃત્ત ઉચ્ચ નાયાલયના ન્યાયાધીશની કમિટીની રચના કરી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં આ સંબંધમાં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સરકાર જો આવું કરે તો આ ગુજરાત ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ હોઈ શકે. ઉત્તરાખંડ સરકાર પહેલા જ આવી કમિટીની રચના કરી ચૂકી છે.
જણાવી દઈએ કે આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં ઉત્તરાખંડની તર્જ પર હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ અંગે વિસ્તૃત માહિતી આપશે.
તમને જણાવી દઈએ કે સમાન નાગરિક સંહિતા હંમેશા ભાજપના એજન્ડામાં રહી છે. 1989માં પહેલીવાર ભાજપે તેના ઢંઢેરામાં UCCનો સમાવેશ કર્યો હતો. તે પછી ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સમાન નાગરિક સંહિતાનો સમાવેશ કર્યો હતો. ભાજપનું માનવું છે કે જ્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય ત્યાં સુધી દેશમાં લિંગ સમાનતા નહીં આવી શકે.
UCC શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ બધાને સમાન અધિકાર આપે છે. જો અમલ કરવામાં આવે તો લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવી બાબતોમાં સમાન નિયમો તમામ નાગરિકોને લાગુ પડશે. એટલે કે દેશમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હશે. પછી ભલે તે કોઈપણ જાતિ કે ધર્મનો હોય.
આ વર્ષે મે મહિનામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિએ છ મહિનામાં ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો, જેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂર્ણ થવાની છે. સમિતિએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.