રાજકોટ શહેરમાં ચાલુ વરસાદમાં રસ્તા વચ્ચે એક મહિલા યોગ ટ્રેનર યોગ કરતી નજર આવી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. રોડ પર ચાલુ વરસાદમાં યોગ કરવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડતા પોલીસે તેની અટકાયત કરી હોવાની વિગત પ્રાપ્ત છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો ગઇકાલે 19 સપ્ટેમ્બરે મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે રાજકોટ શહેરના પશ્લિમ વિસ્તારનો પોશ ગણાતો અમીન માર્ગ પરનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં અમીન માર્ગના મધ્યમાં રેડ યોગ આઉટફિટમાં મહિલા યોગા ટ્રેનર યોગ આસન કરતી જોવા મળી રહી છે. જેને પગલે વાહન ચાલકોને પોતાના વાહનની ગતિ ધીમી કરવી પડી હતી.

આ વીડિયો તેજ ગતિએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઇ અને ભારતીય દંડ સંહિતાની કલમ 283 હેઠળ તે યોગા ટ્રેનર વિરૂદ્ધ કેસ નોંધી તેની અટકાયત કરી હતી. પોલીસે આ યોગા ટ્રેનર રૈયા રોડ સ્થિત જીનિયસ હાઇટ્સની 40 વર્ષીય દીના પરમાર હોવાનું જણાવ્યું છે. આ મહિલા યોગા ટ્રેનર વિરૂદ્ધ કોન્સ્ટેબલ અંકિત નિમાવતની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

માલવિયાનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, ‘દિયા પરમાને આ રીતે રોડ પર યોગ કરતા ધરપકડ઼ કરી માલવિયાનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન દિયાએ કહ્યું હતું કે, તે 18 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યા આસપાસ અમીન માર્ગ પર સાગર ટાવર પાસે યોગ કરીને રીલ બનાવી હતી. આ રીલને તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.’
ઉલ્લેખનીય છે કે, દિયા પરમારે દંડ ભર્યા પછી છોડી દેવામાં આવી હતી. આ દરમિયાન તેણે કહ્યયું હતું કે, ‘તે કાયદાનું પાલન કરનારી નાગરિક છે તેમજ ટ્રાફિક નિયમોનું પણ પાલન કરે છે. સાથે જ મને રસ્તા વચ્ચે યોગ કરવાનો પણ પસ્તાવો થઇ રહ્યો છે તેમ તે મહિલા ટ્રેનર દિયા પરમારે કહ્યું હતું.’





