ગુજરાતમાં 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તપાસનો સામનો કરી રહેલા IPS અધિકારી ગિરીશ લક્ષ્મણ સિંઘલે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)ની જાહેરાત કરી છે. આઇપીએસ સિંઘલે વીઆરએસ લેવા પાછળ “વ્યક્તિગત અને સામાજિક કારણો” ટાંક્યા છે. 2001 બેચના 58 વર્ષીય આઇપીએસ અધિકારીએ તેમની નિવૃત્તિ (જે નિવૃત્તિના લાભો પૂરા પાડે છે)ના બે વર્ષ પહેલાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી 4 ઓગસ્ટ આઇપીએસ અધિકારી તરીકે તેમનો છેલ્લો દિવસ હશે.
ગિરીશ લક્ષ્મણ સિંઘલની 2006માં IPS તરીકે બઢતી, એપ્રિલ 2021માં નિર્દોષ છૂટ્યા
ગિરીશ લક્ષ્મણ સિંઘલ વર્ષ 2016થી ગાંધીનગરના કરાઈ ખાતેના કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં IGP તરીકે પોસ્ટ કરાયેલા ગુજરાત કેડરના અધિકારી, 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI દ્વારા તપાસનો સામનો કરી રહેલા પોલીસ અધિકારીઓ પૈકીના એક હતા. વર્ષ 2006માં તેમને IPS તરીકે બઢતી આપવામાં આવી હતી. એપ્રિલ 2021માં, તેમને અન્ય બે પોલીસકર્મીઓ સાથે સીબીઆઈની વિશેષ અદાલતે એવા આધાર પર નિર્દોષ જાહેર કર્યા કે, પોલીસ કાર્યવાહી ફરજ દરમિયાન કરવામાં આવી હતી.
IPS અધિકારી ગિરીશ લક્ષ્મણ સિંઘલે કેમ VRS લીધુ
IPS અધિકારી ગિરીશ લક્ષ્મણ સિંઘલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “મારી અમુક અંગત અને સામાજિક સમસ્યાઓ છે, ખાસ કરીને ત્રણ મહિના પહેલા મારા સસરાના અવસાન મારી ઉપર ઘણી બધી જવાબદારીઓ પણ છે. નિવૃત્તિ પછી મને આ કામગીરી કરવા માટે સમય મળશે. તેમણે કહ્યું કે પ્રાથમિકતા નક્કી કરવી પડે છે.
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ શું છે?
મુંબઇ નજીક મુંબ્રામાં રહેતી 19 વર્ષીય ઇશર જહાં 15 જૂન, 2004ના રોજ ગુજરાત પોલીસ સાથેના અથડામણમાં મૃત્યુ પામી હતી. આ એન્કાઉન્ટરમાં ઈશરત જહાં ઉપરાંત જાવેદ શેખ ઉર્ફે પ્રગ્નેશ પિલ્લઈ, અમજદ અલી અકબર અલી રાણા અને જીશાન જોહર પણ માર્યા ગયા હતા. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકીઓ હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે તમામ આતંકવાદીઓ સાથે મળીને કાવતરું ઘડી રહ્યા હતા. માનવાધિકાર સંગઠનો અને વિપક્ષી પક્ષોની માગણીઓ બાદ હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કહ્યું કે એન્કાઉન્ટર નકલી હતું. ત્યારબાદ સીબીઆઈએ અનેક પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.





