Gujarat Lattha Kand : ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં શંકાસ્પદ લટ્ઠાકાંડની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ ઘટનામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે ચારની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં મોડી સાંજે કેટલાક લોકોએ દેશી દારૂ પીધો, ત્યારબાદ તબીયત લથડી, જેમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો મોટો કાફલો ગામમાં ખડકાયો હતો.
શંકાસ્પદ લટ્ઠાકાંડ, બેના મોત
લિહોડા ગામમાં દારૂ પીધા બે લોકોના મોત થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, આઈજી રેન્જ ઓફિસર સહિતનો પોલીસ કાફલો ગામમા દોડી આવ્યો હતો. તપાસમાં બે લોકોના દારૂ પીધા બાદ શંકાસ્પદ રીતે મોત થયા છે. આ સિવાય ચાર લોકોની તબીયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બુટલેગરની ઓળખ કરી લેવામાં આવી છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
એકની હાલત વધારે ગંભીર, આઈસીયુમાં દાખલ
પોલીસ સૂત્રો અનુસાર, લિહોડા ગામમાં દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે, જેમાં (1) કાળુજી ઝાલા, લિહોડા અને (2) વિક્રસસિંહ ઝાલા છે, જ્યારે ચાર લોકોની તબીયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તેમાં (1) મંગળસિંહ ઝાલા (2) ચહેરાજી ઝાલા (3) વિનોદ ઠાકોર અને (4) રાજુસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. આ ચારેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એકની હાલત વધારે ગંભીર હોવાથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે.
પોલીસે શું કહ્યું?
ગાંધીનગર એસપી રવિ તેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે એફએસએલ ટીમ બોલાવી જ્યાંથી બે લોકોએ દારૂ પીધો હતો ત્યાં કાર્યવાહી કરાવી તપાસ શરૂ કરી હતી. હાલમાં પ્રાથમિક તપાસમાં દારૂમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટી નથી થઈ, તેથી આને લઠ્ઠાકાંડ કહેવું હાલ વહેલુ હશે. બે લોકોના મોત હાલમાં વધારે પડતો દારૂ પીવાથી થયા હોવાનું કહી શકાય, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સિવાય અન્ય કોઈએ દારૂ પીધો હોય તો, તેમના માટે તકેદારીના ભાગરૂપે પાંચ એમ્બ્યુલન્સ ગામમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં બૂટલેગરોને ત્યાં તવાઈનો આદેશ
સૂત્રો અનુસાર, આ ઘટના બાદ પોલીસે જિલ્લામાં બુટલેગરો પર તવાઈનુ મન બનાવી લીધુ છે, પોલીસ વડાએ જિલ્લામાં તમામ જગ્યા પર દરોડા પાડી દારૂ વેચતા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.
આ પણ વાંચો – સુરતમાં અરેરાટી! રખડતા કૂતરાઓએ ફાડી ખાતા ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું મોત
બોટાદ લઠ્ઠાકાંડમાં 42 ના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે, એક વર્ષ પહેલા જુલાઈ 2022 માં બોટાદ જિલ્લામાં એક મોટા લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં 42 લોકોના મોત થયા હતા, જ્યારે 90 થીવધુ લોકોની હાલત ગંભીર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશી દારૂમાં વધારે નશા માટે બુટલેગરો દ્વારા દેશી દારૂ ગાળતા સમયે તેમાં મિથાઈલ આલ્કોહોલ, મેન્ડ્રેકસ જેવી વસ્તુ ઉમેરવામાં આવે છે, આના કારણે નશો તો વધારે ચઢે છે, સાથે જીવનું જોખમ પણ વધી જાય છે.