Kutch Loksabha Election 2024 Candidate Profile | કચ્છ લોકસભા ઉમેદવાર પ્રોફાઈલ : લોકસભા ચૂંટણી 2024 નું બૂંગણ ફૂકાઈ ગયું છે. ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે વખતથી ચૂંટાઈ આવનાર વિનોદ ચાવડા પર ફરીથી ભરોસો બતાવી ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસે નિતેશ લાલણ ને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાતનો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો છે, તો ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લાની કુલ વસ્તી હાલમાં લગભગ 26,11,305 છે. તમને જણાવી દઈએ કે, આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં જિલ્લામાંથી 16,45,364 જેટલા મતદારો મતદાન કરી જિલ્લાના સાંસદની પસંદગી કરશે.
કચ્છ બેઠક પર 28 વર્ષથી ભાજપનો કબજો
તમને જણાવી દઈએ કે, કચ્છ લોકસભા બેઠક પર 1996 થી સતત ભાજપ જીતી રહી છે, છેલ્લા 28 વર્ષથી કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી નથી, પરંતુ આ વખતે કોંગ્રેસને પરિવર્તનની આશા છે. કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. 28 વર્ષમાં ભાજપ સતત ચાર વખત જીતી આ બેઠક પર કબજો જમાવી રહી છે. 1996 થી 2009 પુષ્પાબેન ગઢવી, 2009 થી 2014 પૂનમબેન જાટ તો 2014 થી 2024 વિનોદ ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે.
લોકસભા ચૂંટણી કચ્છ બેઠક પરિણામ – ઈતિહાસ
| વર્ષ | જીત | પાર્ટી |
| 1952 | ભવાનજી અર્જુન ખીમજી | કોંગ્રેસ |
| 1957 | ભવાનજી અર્જુન ખીમજી | કોંગ્રેસ |
| 1962 | હિંમતસિંહજી | સ્વતંત્ર પાર્ટી |
| 1967 | તુલસીદાસ શેઠ | કોંગ્રેસ |
| 1971 | મહિપતરાય મહેતા | કોંગ્રેસ |
| 1977 | અનંત દવે | જનતા પાર્ટી |
| 1980 | મહિપતરાય મહેતા | કોંગ્રેસ |
| 1984 | ઉષા ઠક્કર | કોંગ્રેસ |
| 1989 | બાબુભાઈ શાહ | ભાજપ |
| 1991 | હરિલાલ નાનજી પટેલ | કોંગ્રેસ |
| 1996 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
| 1998 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
| 1999 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
| 2004 | પુષ્પદાન ગઢવી | ભાજપ |
| 2009 | પૂનમબેન જાટ | ભાજપ |
| 2014 | વિનોદ ચાવડા | ભાજપ |
| 2019 | વિનોદ ચાવડા | ભાજપ |
કચ્છની તમામ વિધાનસભા બેઠકો પર પણ ભગવો લહેરાયેલો
કચ્છ જિલ્લામાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થયેલી છે. અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતી મહેશ્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે.
લોકસભા ચૂંટણી 2019 પરિણામ – કચ્છ બેઠક
| પાર્ટી | ઉમેદવાર | વોટ | ટકા |
| ભાજપ | વિનોદ ચાવડા | 6,37,034 | 62.26 |
| કોંગ્રેસ | નરેશ મહેશ્વરી | 3,31,521 | 32.40 |
| NOTA | નોન ઓફ ધ એબોવ | 18,761 | 1.83 |
| બીએમપી | દેવજીભાઈ મહેશ્વરી | 10,098 | 0.99 |
| બીએસપી | લખુભાઈ વાઘેલા | 7,448 | 0.73 |
કચ્છ લોકસભા બેઠક – જાતિગત સમીકરણ
કચ્છ લોકસભા બેઠક પર જાતિગત સમિકરણની વાત કરીએ તો, આ બેઠક પર મુસ્લીમ, ક્ષત્રિય અને દલિત મતદાતાઓનો પ્રભાવ સૌથી વધુ છે. આ બેઠક પર ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, વણિક, લોહાણા અને અન્ય જાતિઓના લોકો વસે છે.
લોકસભા ચૂંટણી 2014 પરિણામ – કચ્છ બેઠક
| પાર્ટી | ઉમેદવાર | વોટ | ટકા |
| ભાજપ | વોનોદ ચાવડા | 5,62,855 | 59.40 |
| કોંગ્રસ | ડો. દિનેશ પરમાર | 3,08,373 | 32.55 |
| બીએસપી | કમલ માતંગ | 21,230 | 2.24 |
| બીએમપી | હિરજી સિજુ | 21,106 | 2.23 |
| આપ | ગોવિંદ દાનિચા | 15,797 | 1.67 |
| NOTA | નોન ઓફ ધ એબોવ | 16,879 | 1.78 |
કોણ છે વિનોદ ચાવડા (કચ્છ લોકસભા ચૂંટણી 2024 ભાજપ ઉમેદવાર)
કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની લોકપ્રિયતા વધારે છે. તેઓ 2014 થી સતત બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. આજ કારણોસર ભાજપે તેમને ફરી એકવાર ટિકિટ આપી છે. વિનોદ ચાવડાની પ્રોફાઈલની વાત કરીએ તો, સાંસદ વિનોદ ચાવડાએ એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે. મુળ તેમનું ગામ કચ્છના નખત્રાણા તાલુકાના સુખપર રોહા છે. જે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.
વિનોદ ચાવડાએ સૌપ્રથમ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી. ત્યારે તેમને ફરી એક વાર તક અપાઇ છે.કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર બે ટર્મથી કચ્છના સાંસદ રહેલા વિનોદ ચાવડાને રીપીટ કરાયા છે. વિનોદ ચાવડાની રાજકીય સફરની વાત કરીએ તો, તેમણે 2010 માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2014માં ભાજપ-એનડીએ લોકસભા ઉમેદવાર તરીકે તેમણે કોંગ્રેસ ઉમેદવાર ડો. દિનેશ પરમાર ને હરાવ્યા તો 2019માં કોંગ્રેસ ઉમેદવાર નરેશ મહેશ્વરીને હરાવી સતત બે ટર્મથી સાંસદ છે.
કોણ છે નિતેશ લાલણ (કચ્છ લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ ઉમેદવાર)
કોંગ્રેસે પૂર્વ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. નિતેશ લાલણ કોંગ્રેસમાં 2012 થી કોંગ્રેસમાં સક્રિય સભ્ય છે. નિતેશ લાલણે મતદાન એજન્ટ જેવા જમીન સ્તરથી કોંગ્રેસમાં કાર્ય શરૂ કર્યું હતુ. આ સિવાય તમામ ચૂંટણી બૂથના સંચાલનની પણ કામગીરી કરી ચુક્યા છે. હાલ તેઓ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને તેમને કોંગ્રેસે લોકસભા ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેમણે ગાંધીધામમાં મૂળભૂત સુવિધાઓ, ગરીબ-બેઘર લોકોની આજીવિકા, ડ્રગના દૂષણ જેવા મુદ્દા પર લડત આપી કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડી હતી.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર યાદી : 26 બેઠક નું ચિત્ર સ્પષ્ટ, જાણો – કોની સામે કોણ?
નિતેશ લાલણ શિપિંગ અને લોજિસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે એસ.વાય બિકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ મહેશ્વરી મેઘવાળ સમાજમાં સતત સક્રિય રહેલા છે. કોંગ્રેસ યુવા બિઝનેસમેન અને સમાજસેવામાં અગ્રેસર તથા કોંગ્રેસ કાર્યકર્તાઓનો સપોર્ટ હોવાના કારણે નિતેશ લાલણને ટિકિટ આપી હોવાની ચર્ચા છે, તેઓ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.





