Gujarat Rain: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર યથાવત્ છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 19 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 13 ઇંચ અને પોરબંદરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 13 ઇંચ, પોરબંદર અને કેશોદમાં 8.5 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 179 મીમી, ઉમરગામમાં 156 મીમી, દ્વારકાના કલ્યાપુરમાં 151 મીમી, ખંભાળિયામાં 121 મીમી, વલસાડ 102 મીમી, પારડી 95 મીમી, મેંદરડા 92 મીમી, રાણાવાવ 91 મીમી, કાલાવડ 86 મીમી, જૂનાગઢ 84 મીમી, વાપી 83 મીમી, માળિયા હાટીના 77 મીમી, ઉપલેટા 76 મીમી, ભેંસાણ 63, મીમી, ભાણવડ 60 મીમી, જામકંડોરા 59 મીમી, અંજાર 55 મીમી, જોડિયા 51 મીમી, નવસારી,જલાલપોરમાં 50 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ સિવાય માણાવદર 49 મીમી, ખેરગામ 44 મીમી, મોંગરોળ 43 મીમી, તલાલા 41 મીમી, વેરાવળ 39 મીમી, લાલપુર, ધરમપુર 36 મીમી, મુંદ્રા, જામનગર, ચીખલી 32 મીમી, ગણદેવી 28 મીમી, ડોલવણ 27 મીમી, કપરાડા 26 મીમી અને ભુજમાં 25 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 38 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 74 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો – Gujarat Weather Update, હવામાન સમાચાર : સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટીંગ
એનડીઆરએફની 10 ટીમો તૈયાર
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ 10 ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 5 એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
પાંડેએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ 45 વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના 9 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળી કુલ 209 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે 359 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યના 206 જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13, એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 જળાશયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,05,122 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62 ટકા જેટલો છે. સરદાર સરોવરમાં 1,83,532 એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા જેટલો છે.