Ind vs Aus WC 2023 : ગુજરાતના નવસારી જિલ્લાની એક મહિલાને રવિવારે રાત્રે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત હારી જશે તેવી ટિપ્પણીને લઈને તેના સાસરિયાઓ દ્વારા કથિત રીતે ધમકી આપવામાં આવી હતી અને હેરાન કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવસારી શહેરમાં આ ઘટના બની હતી, જ્યારે મહિલા, તેના સાસુ અને તેના સસરા સહિત સ્થાનિક પટેલ પરિવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે તેમના સંબંધીઓના ઘરે ગયા હતા.
ફોન આવ્યા બાદ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા અને તેના સાસરિયાંનું કાઉન્સેલિંગ કર્યું હતું. નવસારી મહિલા હેલ્પલાઈન (181) ના કાઉન્સેલર કૃપાલી પટેલે જણાવ્યું હતું કે, મહિલાના સાસરિયાઓ પાસે તેમના ઘરે ટેલિવિઝન સેટ હતું, પરંતુ પરિવાર મામાના પરિવાર સાથે મળીને ફાઈનલ મેચનો આનંદ માણવા માગતા હતા કારણ કે, તેમની પાસે મોટી સ્ક્રીનવાળું ટીવી હતું.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પટેલે જણાવ્યું હતું કે, “અમને રવિવારે રાત્રે 8.30 વાગ્યે એક ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનાર મહિલાએ અમને જણાવ્યું હતું કે, તેના સાસુ-સસરાઓએ ઝઘડો શરૂ કર્યો હતો અને ભારત ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ હારી જશે તેવા તેના નિવેદન પર તેણીને ધમકી આપી હતી. તેણીએ ફરિયાદમાં કહ્યું કે સાસરીયાઓએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને તેણીને રાષ્ટ્ર વિરોધી ગણાવી.
મહિલા અધિકારી પટેલે જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે મહિલા બંને પરિવારના 10 થી વધુ સભ્યો સાથે મેચ જોઈ રહી હતી.
“ભારતની બેટિંગ સમાપ્ત થયા બાદ પીડિત મહિલા અને અન્ય સાસરીયાના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. કોણ જીતશે, અને કોણ હારશે તેની ચર્ચા દરમિયાન દરેક લોકો ક્રિકેટ મેચ પર પોતાનો અભિપ્રાય પ્રસારિત કરી રહ્યા હતા. ત્યારે પીડિતાએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે આટલા ઓછા સ્કોરથી ભારત મેચ હારી જશે. મામાને ગુસ્સો આવ્યો અને તેમણે અન્ય કેટલાક લોકો સાથે મળી તેણીને ઠપકો આપ્યો, જેના કારણે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો.”
મહિલા પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, “અમે બંને પક્ષોને સલાહ આપી અને મુદ્દાઓને ઉકેલ્યા”.
પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા અને તેનો પતિ વિદેશમાં રહે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટ્રેવિસ હેડની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં ભારતને છ વિકેટે હરાવ્યું હતું.





