Pahalgam terrorist attack, Gujarat Police action : પહલગામમા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ધ્રૂજાવી દીધો છે. આ ઘટનામાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. બેઠકોનો દોર પણ ધમધમી રહ્યો છે. પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય એવા નિર્ણયો પણ કેન્દ્ર સરકારે લીધા છે. જે પૈકી પાકિસ્તાની નાગરીકોને ભારત છોડવા આદેશ પણ કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત પોલીસે અડધી રાત્રે અમદાવાદ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાંથી 500 કરતા વધારે શંકાસ્પદ વિદેશી લોકો ઝડપાયા હતા. જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ હોવાનું માલુમ પડી રહ્યું છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુરત કમિશનર કચેરીએ બેઠક
પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારની સાથે ગુજરાત રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે શનિવારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના આઈજી, પોલીસ કમિશનર, અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગેરકાયદે ઘૂસણખોરો મુદ્દે ચર્ચા થશે.
અમદાવાદમાંથી 457 વિદેશી નાગરીકો ઝડપાયા
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 457 વિદેશી નાગરિકોને પકડી પાડ્યાં હતાં. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
આ પણ વાંચોઃ- જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ માટે 2 હેલ્પલાઈન નંબર જાહેર, રાજ્યમાં પ્રસિદ્ધ સ્થળોની સુરક્ષા જડબેસલાખ
સુરત પોલીસની આખીરાત સર્જીકલ સ્ટ્રાઈક, 120 શંકાસ્પદ વિદેશી નાગરિકો ઝડપાયા
અમદાવાદની સાથે સુરતમાં પણ આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 120થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યાં હતાં.