Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. સર્વત્ર પાણી જ પાણી ફરી વળ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 28 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 237 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુરમાં 8-8 ઇંચ (198 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયા 198 મીમી, કલ્યાણપુર, ભાણવડમાં 197 મીમી, દ્વારકા 190 મીમી, લાલપુર 160 મીમી, કાલાવાડ 137 મીમી, જામજોધપુર 134 મીમી, લોધિકા 96 મીમી, ધોરાજી 91 મીમી, જામનગર 89 મીમી, રાજકોટ 83 મીમી, રાણાવાવ 79 મીમી, લખપત, પોરબંદર 77 મીમી, જામકંડોણા 76 મીમી અને કુતિયાણામાં 75 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 16 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
જ્યારે અબડાસા 74 મીમી, નખત્રાણા 66 મીમી, ઉમરપાડા 64 મીમી, ઉપલેટા 61 મીમી, પલાસણા 60 મીમી, વાંકાનેર 58 મીમી અને કચ્છના માંડવીમાં 53 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 214 તાલુકામાં 1 થી લઇને 49 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ 3 કોલમ
29 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.





