Gujarat Heavy Rain, Kutch Rain, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસાએ એકદમ જમાવટ કરી છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.ગુરુવારે 27 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે નદીઓ વહેવા લાગી હતી. આવી સ્થિતિ વચ્ચે ભચાઉના ખોળાસર ગામમાં નદીના ભારે પ્રવાહમાં 15 જેટલી ભેંસો તણાઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
ખોળાસરમાં નદીના પ્રવાહમાં તણાઈ 15 જેટલી ભેંસો
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે કચ્છના ભચાઉ તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક વધી હતી અને નદીઓ વહેવા લાગી હતી. ઉપવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહેવા લાગ્યો હતો.
ત્યારે ભચાઉના ખોળાસર ગામમાં પસાર થતી નદીમાં પણ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો. લાકડીયા અને ખોળાસર વચ્ચે આવેલી નદીના ભારે પ્રવાહમાં આશરે 15 જેટલી ભેંસો તણાઈ ગઈ હતી. આ દ્રોશ્યો કેમેરામાં કેદ પણ થયા હતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
ભેંસો તણાવવાનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે કાંઠા ઉપર ગામના લોકો ઊભા છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. જેમાં એક પછી એક ભેંસો તણાતી દેખાઈ રહી છે. પાણીના ભારે પ્રવાહના કારણે લોકો મદદ કરી શક્યા ન્હોતા. માત્ર કાંઠે ઊભા આ કપરાં દ્રશ્યો જોવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચો – ગુરુવારના રોજ 107 તાલુકામાં મેઘમહેર, 13 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ
કચ્છમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના ભૂજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.
| તાલુકો | વરસાદ (MM) |
| ભુજ | 40 |
| નખત્રણા | 39 |
| માંડવી | 31 |
| અબડાસા | 15 |
| રાપર | 3 |
| ભચાઉ | 3 |
| ગાંધીઘામ | 2 |
ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધારે લગભગ 2 ઇંચ (46 મીમી) વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.





