Narmada Dam : આ વર્ષે મેઘરાજાની ગુજરાત પર મહેર વરસી છે. રાજ્યમા આ વર્ષે ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમોમાં પાણીની આવક વધી છે. ગુજરાતના 122 ડેમ તો સંપૂર્ણપણે ભરાઇ ચૂક્યા છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમ 99.25 ટકા ભરાઈ ગયો છે.
નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી
નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. ગુજરાતમાં હાલ બધાં ડેમમાં કુલ મળીને 93.09 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે.
હાલ નર્મદા ડેમમાં 1.91 લાખ ક્યૂસેક પાણીની આવક છે, જેના પગલે 1.15 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. પાણી છોડવાને પગલે નર્મદા અને ભરુચના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી છે.
આ પણ વાંચો – વરસાદના સમાચાર માટે અહીં ક્લિક કરો
ચોમાસાની સિઝનમાં કેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 142.12 ટકા, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા, મધ્ય ગુજરાતમાં 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં 113.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તથા અમદાવાદમાં આજે યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વિભાગે કરી હતી





