ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે

ગુજરાત રાજ્ય 31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે.

Ahmedabad August 19, 2025 18:54 IST
ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે
રાજ્યમાં 2,20,504 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાત રાજ્ય 31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો 21,904.55 મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો 14,081.48 મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં 2,20,504.51 મેગાવોટ વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનની સંભવના રહેલી છે, જેમાં સૌથી વધુ સંભાવના 1,80,790 મેગાવોટ પવન ઉર્જાની, ત્યારબાદ 35,770 મેગાવોટ સૌર ઉર્જાની છે.

આ માહિતી કેન્દ્રીય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવર રાજ્ય મંત્રી શ્રીપદ યેસ્સો નાઈક દ્વારા 19 ઑગસ્ટ, 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, 31 જુલાઈ, 2025 સુધીમાં ભારતમાંરિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતા 2,37,491.08 મેગાવોટ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વીજ ઉત્પાદન મામલે ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતે 2022-23માં કુલ 35,895.77 મિલિયન યુનિટ્સ (MUs), 2023-24માં 43,039.55 MUs અને 2024-25માં 52,002.50 MUsનું ઉત્પાદન કર્યું હતું. 2024-25માં ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રોમાં કુલ વીજ ઉત્પાદન 4,03,643.17 MUs હતું.

આ પણ વાંચો: વિવેક અગ્નિહોત્રીની ‘ધ બંગાળ ફાઇલ્સ’ પર કેમ હોબાળો? શું છે ‘ડાયરેક્ટ એક્શન ડે’ જેના પર બની છે ફિલ્મ?

મંત્રીએ એ પણ જણાવ્યું કે, યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ના સચિવાલયમાં ભારત દ્વારા સબમિટ કરાયેલા રાષ્ટ્રીયસ્તર પર નિર્ધારીત યોગદાન (NDC)ના ભાગ રૂપે, ભારતે 2030 સુધીમાં ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા સંસાધનોમાંથી 50% સંચિત વિદ્યુત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનું વચન આપ્યું છે. ભારતે જૂન, 2025 દરમિયાન તેના સંચિત વિદ્યુતની 50% ક્ષમતા ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્ત્રોતોમાંથી મેળવવાનું આ લક્ષ્ય આપણા વૈશ્વિક વચન કરતાં પાંચ વર્ષ વહેલું જ હાંસલ કરી લીધું છે.

વધુમાં COP26માં વડાપ્રધાન મોદીની જાહેરાતને અનુરૂપ મંત્રાલય 2030 સુધીમાં ગૈર-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી 500 GWની સ્થાપિત વીજળી ક્ષમતા હાંસલ કરવા તરફ પણ કામ કરી રહ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે, 31.07.2025 સુધીમાં, દેશમાં કુલ 246.28 GW ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય પ્રશ્નના જવાબમાં, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવરના રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, 01.04.2020 થી 31.03.2025 સુધીના સમયગાળામાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં આશરે 12,674 મિલિયન યુ.એસ. ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) મળ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ રોકાણમાં સૌર ઉર્જા મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે આ સમયગાળામાં દેશના પશ્ચિમ પ્રદેશને FDIનો સૌથી વધુ હિસ્સો મળ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ