ગુજરાતમાં ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી કહાની : ગુમ થયેલા મોટા ભાઈની 17 વર્ષથી શોધ, નાનો ભાઈ પોલીસ બન્યો, અને…

film like story in Gujarat : બનાસકાંઠા (Banaskantha) ના દિયોદર (Diyodar) ના ગોલવી ગામ (Golvi Village) થી ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા બાદ ગુમ થયેલા મોટા ભાઈને નાના ભાઈએ પોલીસ બન્યા બાદ 17 વર્ષે સુરત જેલ (Surat Jail) માંથી શોધી કાઢ્યો.

Written by Kiran Mehta
Updated : January 04, 2024 10:56 IST
ગુજરાતમાં ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી કહાની : ગુમ થયેલા મોટા ભાઈની 17 વર્ષથી શોધ, નાનો ભાઈ પોલીસ બન્યો, અને…
ગુમ થયેલો ભાઈ 17 વર્ષ બાદ સુરત જેલમાંથી મળ્યો (ડાભે નાનાભાઈ-દશરથ અને જમણે મોટોભાઈ-ભરત)

કમલ સૈયદ : આ એક એવી કહાની છે, જે ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી શરૂ થાય છે. છોકરો તેની 10મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો, ઘરેથી નીકળી ગયો અને ક્યારેય પાછો આવ્યો નહીં. તેની નિરર્થક શોધ પછી, પરિવારે આશા છોડી દીધી.

અને પરીકથા ટ્વિસ્ટ સાથે સમાપ્ત થાય છે. છોકરાનો નાનો ભાઈ મોટો થઈ જેલના કોન્સ્ટેબલ બને છે, જેલના રેકોર્ડ જોવે છે અને પોતાના લાંબા સમયથી ખોવાયેલા ભાઈને શોધી કાઢે છે – તેને ડ્રગના ગુનામાં બીજી જેલમાં કેદ કરવામાં આવ્યો હતો.

2006 માં બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોલવી ગામમાં રહેતા ભરતભાઈ પટેલ ઉર્ફે ભરત ચૌધરીએ 15 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તે તેની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેના માતા-પિતા દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. ભરત, પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો, તે ભાગી સુરત આવ્યો અને હીરાના કારખાનામાં કામ કરવાનું શરૂ કર્યું, અને તેના પરિવાર સાથેના તમામ સંપર્ક તોડી નાખાયો, પરિવારે પણ ઘણી શોધ કર્યા બાદ ફરી મળવાની આશા છોડી દીધી હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, સુરત જેલના સુપરિન્ટેન્ડેન્ટ જે.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, “ભરતે 2006 માં તેનું ઘર છોડી દીધું હતું, જ્યારે તે લગભગ 15 વર્ષનો હતો અને સુરત આવ્યો હતો, જ્યાં તેણે ડાયમંડ યુનિટમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં તે અમદાવાદ ગયો, જ્યાં તેણે પહેલા લક્ઝરી બસમાં આસિસ્ટન્ટ તરીકે અને પછી બસ ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

2021 માં કોઈક સમયે, ભરત મહારાષ્ટ્રના જલગાંવથી પાછા ફરતા NH-48 પર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, ત્યારે સુરત ગ્રામીણ પોલીસે બાતમી આધારે કામરેજ ખાતે તેની બસ રોકી હતી અને તેની પાસેથી 55 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. તેની સામે નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી સુરત સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રહેતા ભરતના લગ્ન થયા હતા અને હવે દંપતીને છ વર્ષની પુત્રી પણ છે. “આ સમયગાળા દરમિયાન, 17 વર્ષથી વધુ સમયથી, ભરતે ક્યારેય બનાસકાંઠામાં તેના પરિવારનો સંપર્ક કર્યો ન હતો.”

આ દરમિયાન, ભરતના નાના ભાઈ દશરથ પટેલે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 2017 માં રાજ્યના જેલ વિભાગમાં જોડાયો. થોડા વર્ષો પહેલા તેઓ અમદાવાદની સાબરમતી જેલમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

દશરથ પટેલે જણાવ્યું હતું કે, “ઘણા વર્ષોથી અમે ભરતભાઈને અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર… દરેક જગ્યાએ શોધ્યા, પણ નિષ્ફળ ગયા. પરંતુ તે એક ઘા હતો, જે ક્યારેય રૂઝાયો ન હતો. થોડા દિવસો પહેલા, મારા સાથીદારો સાથેની વાતચીત દરમિયાન, મેં મારા ભાઈનો કેસ ઉઠાવ્યો અને તેમાંથી એકે સૂચવ્યું કે, હું ઈ-જેલ પોર્ટલ પર ભરતભાઈને શોધું… જો તેઓ કોઈપણ જેલમાં બંધ હોય તો, એટલે હું તરત જ અમારી જેલ ઓફિસમાં ગયો અને પોર્ટલ ચેક કર્યું.

શોધમાં એક પરિણામ આવ્યું: ભરતભાઈ એકમાભાઈ પટેલ, 32, સુરત સેન્ટ્રલ જેલ, લાજપોરમાં અન્ડરટ્રાયલ કેદી. “મેં કેદીની વિગતો તપાસી અને જાણવા મળ્યું કે, બધું મારા મોટા ભાઈ સાથે મેળ ખાય છે – અમારૂ ગામ, તાલુકા અને જિલ્લાનુ નામ. મેં તરત જ સુરત સેન્ટ્રલ જેલમાં મારા મિત્રોનો સંપર્ક કર્યો અને તેઓએ પુષ્ટિ કરી કે, કેદી હકીકતમાં મારા મોટા ભાઈ ભરતભાઈ જ હતા.

થોડા દિવસો પહેલા દશરથ તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે ભરત સાથે ભાવનાત્મક પુનઃમિલન માટે સુરત જેલ પહોંચ્યા હતા. દશરથે કહ્યું, “મારી માતાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આવી શક્યા ન હતા. અમે બધા ખૂબ રડ્યા. જેલના કેટલાક અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા હતા. ભરતભાઈએ કહ્યું કે, તેણે ઘણા સમય પહેલા જ ઘરે પાછા આવી જવા જેવુ હતુ.”

“ભરતભાઈએ અમને તેમની પત્ની અને પુત્રી વિશે કહ્યું. તેમણે મને એમ પણ કહ્યું કે, જ્યાં સુધી તે જામીન પર બહાર ન આવે, ત્યાં સુધી તેને મળવાનો પ્રયાસ ન કરો. અમે અમારી માતા રૂકમાબેન અને બહેનો સાથે વિડીયો કોલ કર્,યો ત્યારે ભરતભાઈ જોર જોરથી રડવા લાગ્યા હતા.

ભરતના વકીલ કે ડી શેલાડિયાએ જણાવ્યું હતું કે, “સુરત સેશન્સ કોર્ટે અમારી જામીન અરજી ફગાવી દીધા બાદ અમે હાઇકોર્ટમાં અરજી કરી છે. આગામી થોડા દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોગુજરાત શર્મસાર: છોટા ઉદેપુરના સંખેડામાં શાળાની 6 વિદ્યાર્થીનીની છેડતી, આબરૂ બચાવવા ચાલુ ગાડીએ બાળાઓ કૂદી, બેની હાલત ગંભીર

ગુજરાતનું ઈ-જેલ પોર્ટલ, જેનો ઉપયોગ દશરતે તેના ભાઈને ટ્રેક કરવા માટે કર્યો હતો, તેમાં કેદીઓનો વિગતવાર ડેટાબેઝ હોય છે, જેમાં કેદીના ફોટા, વર્તમાન અને કાયમી સરનામાં, ભૂતકાળના ગુનાઓ અને તબીબી બિમારીઓનો ડેટા, જો કઈ હોય તો, સહિતની અન્ય વિગતો.

અધિક પોલીસ મહાનિર્દેશક, રાજ્યના જેલના વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, ભારતની તમામ જેલોના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન પછી, ગુજરાતને “ઇ-જેલ ICJS જેલ મોડ્યુલ” માં પ્રથમ સ્થાન મળ્યું છે. “તે છેલ્લા ચાર વર્ષમાં ટીમ ગુજરાત જેલોની સતત મહેનત અને સમર્પણને દર્શાવે છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ