Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે જૂનાગઢમાં રિસોર્ટમાં જુગાર રમતા 55 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ જુગારીઓ અમદાવાદ, મહેસાણા અને રાજકોટ જિલ્લાના રહેવાસી છે. ત્યાં જ ગુજરાતના NH-48 ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા પ્લાઝા દેશનો સૌથી નફાકારક પ્લાઝા બન્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન ધરાશાયી થતા 11 ટ્રેનો રિશિડ્યુલ કે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.
જૂનાગઢમાં રિસોર્ટમાં જુગાર રમતા 55 જુગારીઓની ધરપકડ
સોમનાથ પોલીસે તાલાલા નજીક એક ખાનગી રિસોર્ટમાં ચાલતા જુગારધામમાંથી ઘણા લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન કુલ 55 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે અને 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સોમનાથ નજીક પકડાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો જુગાર રેકેટ છે. ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો અમદાવાદ, મહેસાણા અને રાજકોટ જિલ્લાના રહેવાસી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ફરી ગરમીનું જોર વધ્યું
ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગરમીએ ફરી 40 ડિગ્રીની સપાટી વટાવી છે. આંકડા પ્રમાણે 29.8 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 39.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન ધરાશાયી
અમદાવાદના વટાવામાં બુલેટ ટ્રેન નિર્માણ કામગીરી દરમિયાન ક્રેન ધરાશાયી થતા ઓવરહેડ વાયર તૂટી ગયો હતો. જેના કારણે અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 11 ટ્રેનો રિશિડ્યુલ કે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કમાણીના મામલે ગુજરાતનું ટોલ પ્લાઝા અવ્વલ
સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના NH-48 ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા પ્લાઝા દેશનો સૌથી નફાકારક પ્લાઝા છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ વસૂલ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં તેમાંથી 472.65 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો





